આમચી મુંબઈ

ભાયખલામાં અજિત પવારના પક્ષના નેતાની હત્યા: ત્રણ આરોપી પકડાયા

મુંબઈ: ભાયખલા વિસ્તારમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર)ના 46 વર્ષના પદાધિકારી સચિન રામમૂરત કુર્મી ઉર્ફે મુન્નાની હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જૂની અદાવતને લઇ સચિન કુર્મીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ભાયખલા પોલીસે બદલાપુરથી ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ આનંદા અશોક કાળે ઉર્ફે અન્યા (39), વિજય જ્ઞાનેશ્ર્વર કાકડે ઉર્ફે પપ્યા (34) અને પ્રફુલ્લ પ્રવીણ પાટકર (26) તરીકે થઇ હતી. ત્રણેય આરોપીને રવિવારે સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને 15 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. આરોપી આનંદા કાળે વિરુદ્ધ ભાયખલા, આગ્રીપાડા, માનખુર્દ અને એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં, જ્યારે પ્રફુલ્લ પાટકર વિરુદ્ધ ભાયખલા, એન્ટોપ હિલ અને ધારાવી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે.

રાષ્ટ્રવાદીના ભાયખલા વિધાનસભા તાલુકા અધ્યક્ષ સચિન કુર્મી પર ભાયખલામાં અનંત પવાર માર્ગ પર મ્હાડા કોલોની નજીક શુક્રવારે મધરાતે અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. માથામાં, પેટ તથા શરીરના અન્ય ભાગ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કુર્મીની હત્યા કરાઇ હતી. ભાયખલા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા વિવિધ ટીમ તૈયાર કરી હતી અને આખરે મળેલી માહિતીને આધારે ત્રણ આરોપીને બદલાપુરથી પકડી પાડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button