આમચી મુંબઈ

અજિત પવારની એનસીપીનું ચૂંટણીઢંઢેરામાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને ખેડૂતો માટે એમએસપીનું વચન

ગેમ ઓન: લોકસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે ત્યારે સોમવારે અજિત પવાર જૂથની એનસીપી દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાંઆવ્યો હતો. તસવીરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના એનસીપીના ટોચના નેતા નજરે ચઢે છે. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનડીએના ઘટક અને મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો ભાગ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ જાતિ આધારિત વસ્તી ગણતરી અને ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવનું વચન આપ્યું છે. પાર્ટીએ સોમવારે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો અને તેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણને ભારત રત્ન પુરસ્કાર આપવા અને મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાવવાની માંગણીઓને આગળ ધપાવવાનું વચન પણ આપ્યું હતું.

પાર્ટીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ, પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે અને વરિષ્ઠ મિનિસ્ટર છગન ભુજબળની હાજરીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર દ્વારા ચૂંટણીઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ આપવાનું વચન અપાયું છે.

કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી રકમમાં વધારો કરવાની માગણી કરવાની વાત પણ એનસીપીએ કરી છે. પક્ષે કૃષિ પાક વીમા યોજનાનો વ્યાપ વિસ્તારવા અને તેને વધુ ખેડૂત-મૈત્રીપૂર્ણ બનાવવાની તરફેણ કરી છે. આ સિવાય પાર્ટીએ મુદ્રા સ્કીમ હેઠળની લોન ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવાના પ્રયાસો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

પક્ષે વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર ખેડૂતોની નિર્ભરતા ઘટાડવા, વીજ પુરવઠાના ટકાઉ સ્ત્રોતો પૂરા પાડવા અને કૃષિ ઉત્પાદકતા અને આવક વધારવા માટે સૌર ઊર્જા, ગતિ ઊર્જા, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વગેરેને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું હતું. પક્ષે તેના ઢંઢેરામાં વિશ્ર્વકર્મા યોજનાનો વ્યાપ ૧૨ બલુતેદાર (કારીગરો, શ્રમિકો) વર્ગો સુધી વિસ્તરણ કરીને અને આધુનિક કૌશલ્ય વિકાસ ટેક્નિક સાથે ઉદ્યોગોનો વિકાસ કરીને મહારાષ્ટ્રને ભારતની કૌશલ્ય વિકાસ રાજધાની બનાવવાના પ્રયાસો કરવાની વાત કરી છે.

પાર્ટી રાજ્યમાં કોન્ટ્રાક્ટના ધોરણે ખાનગી કંપનીઓમાં શિક્ષિત અને કુશળ યુવાનોનું લઘુતમ મહેનતાણું રૂ. ૧૨ હજાર પ્રતિ માસથી વધારીને રૂ. ૨૦ હજાર કરવાનો પ્રયાસ કરશે. પાર્ટીએ લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતને સમર્થન આપવાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. વિવિધ ભરતી પરીક્ષાઓ દરમિયાન પેપર લીક થવાના તાજેતરના વિવાદો વચ્ચે, એનસીપીએ પેપર લીક રોકવા અને ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કડક કાયદો બનાવવાની તરફેણ કરી છે.

દેશભરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રેલવે અને મેટ્રોની મુસાફરી પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવા અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે મોટા પાયે નદી-જોડાણ અને નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button