અમિત શાહની મુંબઈની મુલાકાત વખતે ગેરહાજરી બાબતે અજિત પવારનો ખુલાસો
પુણે: શનિવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત દરમિયાન પોતાની ગેરહાજરી બાબતે અટકળોને રદિયો આપતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે મેં મારા આગોતરા ધોરણે નિર્ધારિત કાર્યક્રમોની અમિત શાહના કાર્યાલયને પહેલેથી જાણ કરી હતી. અમિત શાહે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે જઇને ત્યાં સ્થાપિત ગણપતિ બાપ્પાની મૂર્તિઓના દર્શન કર્યા હતા. તેઓ લાલબાગચા રાજા ગણેશ મંડળની મૂર્તિના પણ દર્શન કર્યા હતા. ત્યારપછી તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ વ્યાખ્યાનમાં સહકાર ચળવળ વિશે વક્તવ્ય આપ્યું હતું.
અજિત પવારે પિંપરી-ચિંચવડ ખાતે પ્રસારમાધ્યમોના સંવાદદાતાઓને જણાવ્યું હતું કે શુક્રવારે હું બારામતીમાં હતો. રવિવાર, સોમવાર અને શુક્રવારનો સમય મેં પિંપરી-ચિંચવડ, પુણે અને બારામતીના લોકોને ફાળવ્યો છે. તેથી બારામતી બાઝાર સમિતિ, બારામતી બૅન્ક અને સહયોગ ગૃહનિર્માણ સંસ્થાની બેઠકો શુક્રવારે બારામતીમાં યોજાઈ હતી. એ બાબતની જાણ મેં અમિત શાહની ઑફિસને કરી હતી. (એજન્સી)