આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું

મુંબઇઃ એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને કેબિનેટમાં તક મળી નથી. જેના કારણે છગન ભુજબળ નારાજ છે. છગન ભુજબળે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ભુજબળ મંત્રી પદ માટે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન અજિત પવારનું છગન ભુજબળને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. અજિત પવારે બારામતી કાર્યક્રમમાં આ અંગે ટિપ્પણી કરી હતી. અજિત પવારે પોતાના ભાષણમાં છગન ભુજબળનું નામ લેવાનું ટાળ્યું હતું, પણ સમજદાર કો ઇશારા કાફી હૈ એ ન્યાયે બધા જ જાણે છે કે આ ટિપ્પણી છગન ભુજબળ માટે જ હતી.

રાજ્ય કેબિનેટના વિસ્તરણનો ઉલ્લેખ કરતા અજિત પવારે રવિવારે બારામતીમાં કહ્યું હતું કે, ‘કેબિનેટની રચના દરમિયાન, મેં મંત્રી પદ માટે કેટલાક નામોનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે મારે કેટલાક વરિષ્ઠ નેતાઓને થોડીવાર રાહ જોવાનું કહેવું પડ્યું હતું. જોકે, કેટલાકે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વાસ્તવિકતા એ છે કે કેબિનેટમાં નવા ચહેરાઓને પણ તક આપવાની જરૂર છે. કેટલીકવાર દિગ્ગજ નેતાઓને રાજ્ય સ્તરે ભૂમિકાઓ આપવાને બદલે, અમે તેમને કેન્દ્રીય સ્તરે તકો આપવાનું પણ વિચારતા હોઇએ છીએ. તેઓ યોગ્ય આદરના હકદાર હોવાનું માને છે અને હું તેમને ખાતરી આપું છું કે તેમની માન્યતા સાથે ચેડા નહીં થાય.

આ પણ વાંચો…પુણેમાં મોટો અકસ્માત, ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા, 3ના મોત

રસપ્રદ વાત એ છે કે ભુજબળે પણ ઓબીસી નેતાઓ સાથે બેઠક કરી છે. ઓબીસી નેતાઓની બેઠક બાદ, ભુજબળે મીડિયાને સંબોધન કર્યું હતું અને અજિત પવારના નેતૃત્વ પ્રત્યેના તેમના અસંતોષનો પુનરોચ્ચાર કર્યો હતો. ”યુવાન નેતાઓને તક આપવી એ સારો વિચાર છે, પરંતુ યુવાન તરીકે કોણ લાયક છે તેની સ્પષ્ટ વ્યાખ્યા હોવી જોઈએ. કોઇ વ્યક્તિને યુવાન ગણવા માટેની વય મર્યાદા શું છે? શું 67 કે 68 વર્ષની ઉંમરના વ્યક્તિને હજુ પણ યુવાન ગણવો જોઈએ? આ બાબતે સ્પષ્ટતા હોવી જરૂરી છે, ” એમ તેમણે કહ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ભુજબળને તેમના ભાવિ પગલાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે , ”એવું લાગે છે કે તમને મારી આગામી ચાલ જાણવાની ઉતાવળ છે. જો કે, મને મારી સ્થિતિ નક્કી કરવા માટે સમયની જરૂર છે. હું દરેક સાથે તેની ચર્ચા કરી રહ્યો છું.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button