મારી પણ મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા પણ…: અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે સીટ વહેંચણીની વાતો અંતિમ તબકકામાં પહોંચી હોવાના સમાચારો વચ્ચે રાજ્યમાં તમામ મોટા પક્ષો બહુમતી લાવવા માટે મથી રહ્યા છે. પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની વચ્ચે મહાયુતિમાં બધુ બરાબર નથી એ તો પુરવાર થઈ ચૂક્યું છે ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સૌથી મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?
ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં શિવસેના સાથે યુતિ કરીને સૌથી પહેલા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવાયા હતા, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન પદ દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવ્યું હતું. એના પછી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ જોડાણ કર્યા પછી અજિત પવારને પણ નાયબ મુખ્ય પ્રધાન પદ આપવામાં આવ્યું હતું. હવે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે અજિત પવારે પણ ચુપકીદી તોડીને કહ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન બનવા માટે ઉત્સુક છે.
પુણેમાં ગણપતિ મંદિરની પૂજા કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતી વખતે અજિત પવારે કહ્યું હતું કે દરેક નેતા ઈચ્છે છે કે મુખ્ય પ્રધાન બને. મારી પણ ઈચ્છા છે કે હું મુખ્ય પ્રધાન બનું, પરંતુ એના માટે સૌથી મોટી વાત એ છે કે એના માટે બહુમતીના આંકડા સુધી પહોંચવું પડે અને દરેકની ઈચ્છા પૂરી પણ થતી નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર, ગડકરીને સોંપી મોટી જવાબદારી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજિત પવારે કહ્યું હતું કે દરેકની એક ઈચ્છા અને મત હોય છે, પરંતુ દરેકને પોતાની ઈચ્છા મુજબનું મળતું નથી. સૌના હાથમાં ફક્ત મત આપવાનો અધિકાર ડો. બાબાસાહેબ આંબેડકરે આપ્યો છે, જે મતદારોના હાથમાં છે. એના માટે 288 સભ્યની રાજ્યની વિધાનસભામાં 145ના બહુમતના આંકડા સુધી પહોંચવાનું પણ જરુરી રહે છે.
જોકે, આ મુદ્દે આગળ સ્પષ્ટતા કરતા અજિત પવારે કહ્યું હતું કે ભાજપ, શિવસેના અને એનસીપીની મહાયુતિ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડીશું. મહાગઠબંધનની સરકાર ફરી એક વખત સત્તામાં પાછા ફરવાની કોશિશ કરી રહ્યા છે. મહાગઠબંધનની સરકાર આવ્યા પછી સાથે મળીને અમે મુખ્ય પ્રધાન અંગે નિર્ણય લઈશું, એમ અજિત પવારે જણાવ્યું હતું.