અજિત પવારે વિશાલગઢ કિલ્લાની મુલાકાત લીધી: હિંસા અસરગ્રસ્ત પરિવારોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી
મુંબઇ: કોલ્હાપુર જિલ્લાના ગજાપુર ખાતે જમણેરી વિચારધારાના લોકો દ્વારા એક મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તેના પાંચ દિવસ બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિશાલગઢ અને આ ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને માટે રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
અજિત પવારની મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે કૉંગ્રેસના સંસદસભ્ય છત્રપતિ શાહુ મહારાજના નેતૃત્વ હેઠળ મહાવિકાસ આઘાડીની શિવ-શાહુ સદ્ભાવના રેલી (શાંતી યાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. છત્રપતિ શાહુ મહારાજના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે હુમલાખોરો સામે કાર્યવાહીની માગણી કરી હતી.
આ પણ વાંચો : મહાવિકાસ આઘાડી રાજ્યની ભ્રષ્ટ સરકારને પરાજિત કરવા કટિબદ્ધ: વેણુગોપાલ
અજિત પવારની મુલાકાત અત્યંત સમયસરની હતી, કેમ કે અત્યાર સુધી તેમણે અનેક વખત કહ્યું હતું કે ભાજપની સાથે સત્તામાં હોવા છતાં તેમણે બિનસાંપ્રદાયિકતા છોડી નથી, પરંતુ તેમની મુલાકાતે આ વસ્તુ સિદ્ધ કરી હતી.
તેમણે કહ્યું હતું કે નિર્દોષ લોકો જેમને કિલ્લાના અતિક્રમણ સાથે કશી લેવાદેવા નહોતી તેમને પણ લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે પંચનામું પૂર્ણ કર્યું છે અને નુકસાન રૂ. 2.85 કરોડનું થયું છે. દરેક અસરગ્રસ્ત પરિવારને રૂ. 50,000ની આર્થિક મદદ આપવામાં આવશે.
બીજી તરફ ભાજપના રાજ્યસભાના સાંસદ છત્રપતિ સંભાજી રાજેએ કોર્ટ દ્વારા સંરક્ષિત કરવામાં આવેલા સહિતના બધા જ અતિક્રમણો હટાવી નાખવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું.
ગજાપુરમાં કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલી હિંસા બાબતે પોલીસે સંભાજીરાજે સહિત 500 લોકો સામે ગુના નોંધ્યા છે અને 21 લોકોની ધરપકડ કરી છે.
અજિત પવારે હિંસા અંગે નારાજી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો બધા જ જાતી અને સમાજના છે અને શિવાજીના સમયથી તેઓ સંવાદિતા સાથે રહેવાની શિક્ષા પામેલા છે. (પીટીઆઈ)