બદલાપુરના ‘દુષ્કર્મી’નું એન્કાઉન્ટરઃ અજિત પવારે વિપક્ષોને આપ્યો જવાબ
મુંબઈ: અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓ સરકાર અને પોલીસ બંને પર આરોપોની ઝડી વરસાવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઠાર માર્યા ગયેલા આરોપી અક્ષય શિંદેની માનસિકતા વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે અક્ષય શિંદે એક વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ હતો. તેણે નાની નાની બાળકીઓ પર એટલો અત્યાચાર કર્યો હતો કે હું તમારી સામે વ્યક્ત નથી કરી શકતો. એ બાળકીઓએ પોતાના કુટુંબીજનોને તેમના પર થયેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું. એ એટલો હરામી હતો કે… બદલાપુરના લોકોએ આ ઘટના બની ત્યારે નવ કલાક સુધી ટ્રેનો રોકી રાખી હતી. એટલો બધો રોષ હતો બદલાપુરના લોકોમાં. તેમની માગણી એક જ હતી, કે આરોપીને પકડીને ફાંસીએ લટકાવી દેવામાં આવે.
વિપક્ષની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે વિપક્ષ એ વખતે કહી રહ્યો હતો કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. હવે વિરોધ પક્ષોના નેતા બોલી રહ્યા છે કે આરોપીને કેમ મારી નાંખ્યો? આ આખું રાજ્ય આપણું ઘર છે. તેને પકડવામાં આવ્યો અને કાલે(સોમવારે) તેને પૂછપરછ માટે લઇ જવામાં આવી રહ્યો હતો.
તેમણે ઘટનાની વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પોલીસ તેને લઇ જઇ રહી હતી ત્યારે પોલીસની રિવોલ્વર છીનવીને ત્રણ ગોળીઓ ચલાવી. પોલીસ જવાબી કાર્યવાહી કરી જેમાં તે માર્યો ગયો. હું આ ઘટનાનું સમર્થન નથી કરતો. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થશે.