‘શિસ્તબદ્ધ’ અજિત પવારે કોકાટેને રાજીનામું આપવા કહ્યું નહીં: એનસીપી (એસપી)…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જેવા ‘શિસ્તબદ્ધ’ વ્યક્તિએ તેમના એનસીપીના સાથીદાર અને પ્રધાન માણિકરાવ કોકાટેનું રાજીનામું ન માગવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ક્રાસ્ટોએ એ પણ જાણવા માગ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોકાટે વિશે શું કહ્યું, જેમણે વિધાન પરિષદમાં ‘રમી’ રમતા હોવાની ટીકા બાદ કૃષિ વિભાગ ગુમાવ્યો હતો. કોકાટેને રમતગમત અને યુવા બાબતોનો વિભાગ આપવામાં આવ્યો હતો.
‘આ કેટલું શરમજનક હોઈ શકે? માણિકરાવ કોકાટે પ્રધાન તરીકે ચાલુ રહે છે, હવે એક અલગ વિભાગ સાથે સજ્જ છે. તેમણે આપણા ખેડૂતો અને મહારાષ્ટ્ર સરકારનું અપમાન કર્યું હતું,’ એમ ક્રાસ્ટોએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે જો કોકાટે જેવા લોકોને છૂટછાટ મળતી રહેશે, તો તેઓ લોકોના અપમાન અને મજાક ઉડાવતા રહેશે.
‘આશ્ચર્યજનક વાત એ છે કે અજિત પવાર જેવી શિસ્તબદ્ધ વ્યક્તિએ કોકાટેને રાજીનામું આપવા કહ્યું નથી, પરંતુ વિડંબના એ છે કે તેમને બીજો વિભાગ આપ્યો છે. ફડણવીસ આ મુદ્દે શું કહે છે? અથવા તેઓ મહારાષ્ટ્રના ખેડૂતો અને સરકારનું અપમાન કરનાર માણિકરાવ કોકાટેનું પણ સમર્થન કરી રહ્યા છે?’ એમ ક્રાસ્ટોએ સવાલ કર્યો હતો.
આ પણ વાંચો…માણિકરાવ કોકાટે પર અજિત પવારે મૌન તોડ્યું, મોટી કાર્યવાહી કરવાની તૈયારી?