Election: શરદ પવાર જૂથની ૪૫ ઉમેદવારની યાદી જાહેર, કાકા અજિત પવાર સામે ભત્રીજાની ટક્કર

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) શરદ પવાર જૂથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તેની પહેલી યાદી જાહેર કરી છે, એનસીપી (એસપી)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે ૪૫ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. સૌથી મોટી વાત એ છે કે ફરી એક વાર વિધાનસભાની ચૂંટણીમાં પવાર પરિવાર ચર્ચામાં રહેશે. અગાઉ કાકા શરદ પવાર સામે ભત્રીજા અજિત પવારે બળવો કરીને સામે ચૂંટણી લડ્યા, જ્યારે હવે આ વખતે કાકા શરદ પવારે મોટી ચાલ ચાલીને અજિત પવારની સામે જ યુગેન્દ્ર પવારને ઉતાર્યો છે.
૪૫ ઉમેદવારના નામની જાહેરાત કરતા એનસીપી (એસપી) એ મુમ્બ્રા બેઠક પરથી જિતેન્દ્ર આવ્હાડ, કોરેગાંવથી શશિકાંત શિંદે, વાસમતથી જયપ્રકાશ દાંડેગાંવકરને, જલગાંવ ગ્રામીણથી ગુલાબરાવ દેવકર, ઈન્દાપુર-હર્ષવર્ધન પાટીલ, રાહુરી બેઠક પરથી પ્રાજક્તા તાનપુરે, શિરુરથી અશોક પવાર, શિરાલા બેઠક પરથી માનસિંહ નાઈક, વિક્રમગઢથી સુનિલ ભુસારા, કરજગ જામખેડથી રોહિત પવાર, અહેરી બેઠક પરથી ભાગ્યશ્રી અત્રામ, બાનાપુરથી રૂકુકુમાર ઉર્ફે બબલુ ચૌધરી, મુરબાડથી સુભાષ પવાર, ઘાટકોપર પૂર્વથી રાખી જાધવ, અંબેગાંવથી દેવદત્ત નિકમ અને બારામતીથી યુગેન્દ્ર પવારને ટિકિટ આપી છે, જેની ટક્કર અજિત પવાર સામે રહેશે.

આ પણ વાંચો : દિલ્હીમાં અમિત શાહે શિંદે અને અજિત પવારને આપી ‘આ’ સલાહ
બારામતીમાં કાકા સામે ભત્રીજાની ટક્કર
તમને જણાવી દઈએ કે શરદ પવારે બારામતી વિધાનસભા સીટ પર અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતાર્યા છે. યુગેન્દ્ર પવાર, શરદ પવારના પૌત્ર અને અજિત પવારના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર છે.
શરદ પવાર જૂથે ઈસ્લામપુર વિધાનસભા બેઠક પરથી જયંત પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. અનિલ દેશમુખને કાટોલ બેઠક પરથી, રાજેશ ટોપેને ઘનસાવંગીથી અને બાલાસાહેબ પાટીલને ઉત્તર કરાડની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
અહેરીની બેઠક પર પિતા-પુત્રીની ટક્કર રહેશે
સૌથી રસપ્રદ બેઠક અહેરીની છે, જ્યાં પિતાની સામે પુત્રી ચૂંટણી લડશે. અહેરી સીટ પરથી ભાગ્યશ્રી અત્રામને જાહેર કર્યાં છે. ભાગ્યક્ષી અત્રામના પિતા બાબા અત્રામને અજિત પવારની એનસીપીમાંથી ચૂંટણી લડશે. આમ છતાં એનસીપી શરદ પવાર જૂથે ભાગ્યશ્રીને ટિકિટ આપવામાં આવી છે, જેને કારણે અહેરી વિધાનસભાની ચૂંટણી પિત્રા-પુત્રીની લડાઈ સાથે રસપ્રદ બની રહેશે.
અમે ઉમેદવારો સાથે ચર્ચા કરીશું અને આગામી ૨ દિવસમાં બાકીના ઉમેદવારોની જાહેરાત કરીશું. મહાગઠબંધનમાં સીટની વહેંચણી અંગે જયંત પાટીલે કહ્યું કે ૩-૪ પાર્ટીઓ સિવાય અમારા ગઠબંધનમાં અન્ય ઘણી પાર્ટી છે. હાલમાં આ અંગે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. ચર્ચા હજુ ચાલુ છે. આ અંગેની જાહેરાત આવતીકાલે અથવા પરમ દિવસે કરવામાં આવશે. અણુશક્તિનગર (નવાબ મલિક) સીટ પર તેમણે કહ્યું કે આ અમારી સીટ છે. અમે આવતીકાલ સુધીમાં ઉમેદવાર જાહેર કરીશું.
અગાઉ અજીત પવાર જૂથે ૩૮ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં ૯૫ ટકા વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં નવાબ મલિક અને સના મલિકના નામ નથી. જ્યારે અજિત પવાર પોતે બારામતી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.