અજિત પવારની ખુરશી ખતરામાં? પંદર જેટલા વિધાનસભ્યો ફરી પલટી મારવાની વેતરણમાં
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામોએ માત્ર કેન્દ્ર નહીં દરેક રાજ્યના રાજકારણમાં પણ ધમધમાટ લાવી દીધો છે. એક તરફ રાજસ્થાનમાં 11 બેઠક જતા અહીંના ભાજપના નેતાઓ નારાજ છે તો હવે બીજી બાજુ એક ચોંકાવનારા સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની (Ajit Pawar)ખુરશી ખતરામાં આવી ગઈ છે. એનસીપી તોડીને અજિત પવાર સાથે આવેલા લગભગ 10થી 15 જેટલા વિધાનસભ્યો ફરી કાકા શરદ પવારની એનસીપીમાં જવાની વેતરણમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો (Loksabha election results)બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ થાય તેવી સંભાવના છે. પરિણામો બાદ અજિત પવાર પોતાના વિધાનસભ્યો સાથે એક બેઠક યોજશે તેવી ચર્ચા ચાલી રહી હતી, પણ આ પહેલા સમાચાર સામે આવી રહ્યા છે કે NCPના 10-15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. સૂત્રોનું કહેવું છે કે આ ધારાસભ્ય શરદ પવારને પોતાનું સમર્થન આપી શકે છે. બીજી તરફ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. આ પછી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
ચૂંટણી પરિણામોએ બીજા ડેપ્યુટી સીએમ અજિત પવારને મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે. તેમની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માત્ર રાયગઢ બેઠક જીતી શકી હતી. તેમના ગઢ બારામતીમાં પણ અજિત પવારની પાર્ટી ખાસ પ્રદર્શન કરી શકી નથી. તેમની પત્ની સુનેત્રા પવાર સુપ્રિયા સુળે સામે હાર્યા છે. આટલું જ નહીં પણ અજિત પવારની વિધાનસભા બેઠકમાં પણ સુનેત્રા પવારને સુપ્રિયા સુળે કરતા ઓછા મત મળ્યા હોવાની માહિતી બહાર આવી છે.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપીની મહાવિકાસ આઘાડીની ભવ્ય જીત થઈ છે. હવે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે ચાર કે પાંચ મહિના છે ત્યારે વિધાનસભ્યો પોતાની બેઠક સુરક્ષિત રાખવા ફરી પલટી મારે તેવી સંભાવના વર્તાવવામાં આવી રહી છે.
Also Read –