આખરે અજિત પવાર કરવા શું માગે છે? મોદીની છેલ્લી રેલીમાં એનસીપીના નેતાઓ ગેરહાજર
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીના હવે દિવસો ગણાઇ રહ્યા છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે જંગ જામેલો છે. શાસક મહાયુતિ તરફથી ખુદ પીએમ મોદી પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે. હાલમાં જ તેમણે મુંબઇ ખાતે એક સભા સંબોધિત કરી હતી, જેમાં મહાયુતિના નેતાઓ હાજર હતા, પણ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને NCPના કેટલાક નેતાઓ ગેરહાજર રહ્યા હતા. જેના પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. અહીં તેમની ત્રણ રેલીઓ હતી, જેમાં મુંબઈમાં દાદર ખાતે પણ તેમની સભા હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના વડા અજિત પવારે પીએમની આ સભામાં ભાગ લીધો નહોતો. જોકે, એવું કારણ આપવામાં આવ્યું હતું કે અજિત પવાર, સુનિલ તટકરે અને પ્રફૂલ પટેલ તેમના નિર્ધારીત પ્રવાસમાં વ્યસ્ત હોવાથી પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ નહોતા લઇ શક્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લી પ્રચાર સભામાં મહાયુતિના ઘટક પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા, પણ અજિત પવાર અને તેમની પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ નરેન્દ્ર મોદીની બેઠકમાં હાજર રહ્યા ન હતા. એનસીપીના મુંબઈના ઉમેદવારો સના મલિક, નવાબ મલિક અને જીશાન સિદ્દીકી પણ ગેરહાજર હતા. આ સભામાં શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની આરપીઆઈ સહિત મહાગઠબંધનના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ મુદ્દે હવે ચર્ચા જાગી છે
આ પણ વાંચો : મુંબઈ લોકોને જોડવા માગે છે અને કૉંગ્રેસ અને સાથીઓ સમાજને તોડવા માગે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
અહીંની સભામાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિધાન સભાની ચૂંટણી પૂર્વે આ તેમની છેલ્લી સભા છે. તેમણે મહારાષ્ટ્રભરનો પ્રવાસ કર્યો અને હવે મુંબઇના લોકોને મળવા આવ્યા છે. મુંબઇના લોકોના આશિર્વાદ મહાયુતિ સાથે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોઇ પણ રાજકીય પક્ષ માટે દેશ પહેલા હોવો જોઇએ.દેશ માટે કોઇ બાંધછોડ ના કરી શકાય. મહાયુતિ આ નીતિને માને છે, પણ મહાવિકાસ આઘાડી માટે પક્ષ જ મહત્વનો છે. ભારતની દરેક સફળતા પર તેમને સવાલ ઉઠાવવાની આદત છે. તેમણે લોકોને મહાવિકાસ આઘાડીની રાજનીતિથી સાવધ રહેવાની પણ સલાહ આપી હતી.