સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે અજિત પવારે લીધી આ પ્રતિજ્ઞા

માલવણ: સિંધુદૂર્ગના રાજકોટ કિલ્લા પર જ્યાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી તે જગ્યાની નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુલાકાત કરી હતી તથા તે જગ્યાએ જ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા ઊભી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પવારે ‘એક્સ’ પર પોસ્ટ કરતા શિવાજી મહારાજને રાજ્યના ગર્વ અને આત્મસન્માન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ટૂંક સમયમાં આ જગ્યા પર જ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપવામાં આવશે એવું હું વચન આપું છું. બુધવારે નાયબ મુખ્ય પ્રધાને શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા અંગે રાજ્યની જનતાની માફી પણ માગી હતી
દરમિયાન સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા પ્રકરણે સ્ટ્રકચરલ ક્ન્સલ્ટન્ટ ચેતન પાટીલની કોલ્હાપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે નોંધાયેલી એફઆઇઆરમાં તેનું અને આર્ટિસ્ટ જયદીપ આપટેનું નામ હતું. ગુરુવારે મોડી રાતે ચેતન પાટીલને તાબામાં લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે તેને સિંધુદૂર્ગ પોલીસને સોંપવામાં આવ્યો છે, એમ કોલ્હાપુર સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ મહેન્દ્ર પંડિતે જણાવ્યું હતું.
આ પણ વાંચો : છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી
કોલ્હાપુરના રહેવાસી પાટીલે બુધવારે દાવો કર્યો હતો કે તે આ પ્રોજેક્ટનો માળખાકીય સલાહકાર નહોતો. પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે તેણે જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) દ્વારા ભારતીય લશ્કરી દળને પ્લેટફોર્મની ડિઝાઇન મોકલાવી હતી, પરંતુ પ્રતિમા અંગે કંઇ પણ કર્યું નહોતું. ‘થાણેસ્થિત કંપનીએ પ્રતિમા સંબંધિત કાર્ય કર્યું હતું. તે પ્રતિમા જે પ્લેટફોર્મ પર ઊભી કરવાની હતી એ વિશે જ મેં કાર્ય કર્યું હતું’, એમ તેણે વધુમાં જણાવ્યું હતું.