સુનેત્રા પવાર બનશે અજિત પવારના સ્થાને નાયબ મુખ્ય પ્રધાન?

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષના પદે કોણ આવશે એની પણ રાજ્યના લોકોને ભારે ઉત્કંઠા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન બુધવારે બારામતીમાં ક્રેશ થયું હતું અને તેમનું રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનનું પદ સુનેત્રા પવારને ઓફર કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે. સુનેત્રા પવાર તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય પ્રમુખ બની શકે છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સુનેત્રા પવારને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે અને નાયબ મુખ્ય પ્રધાનની જવાબદારી કોઈ સિનિયર પ્રધાનને સોંપવામાં આવી શકે છે.
જોકે આ બંને નિર્ણય લેવા પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.
વરિષ્ઠ નેતાઓ એવી માગણી કરી રહ્યા છે કે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવવામાં આવે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત રાષ્ટ્રીય કારોબારીની બેઠક માટે મુખ્ય રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓને આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટીની અંદરની આંતરિક ચર્ચાઓ આ મુદ્દે અંતિમ તબક્કામાં છે અને સૂત્રોએ એવા સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવવામાં આવી શકે છે.
અજિત પવારના મૃત્યુ પછી એનસીપીના ભવિષ્ય અંગેના સવાલનો જવાબ આપતાં એનસીપીના નેતા નરહરિ ઝીરવાળે કહ્યું હતું કે લોકો પ્રધાન મંડળમાં ‘બહેન’નો સમાવેશ કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યમાં સત્તાધારી મહાયુતિમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એક મુખ્ય પક્ષ છે. નોંધનીય છે કે સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સાંસદ છે.
અજિત પવારના એક પુત્ર પાર્થ ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે, પરંતુ તેમને અત્યારે પાર્ટીમાં કોઈ મહત્ત્વનું પદ આપવામાં આવે એવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે અને બીજા પુત્ર જય પવાર રાજકારણમાં ઉતર્યા જ નથી. આવી સ્થિતિમાં સુનેત્રા પવારને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પદની અને અજિત પવાર તેમ જ શરદ પવારના અત્યંત નજીકના ગણાતા પ્રફુલ્લ પટેલને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.
જોકે આમ જોવા જઈએ તો એનસીપીમાં ઘણા સિનિયર નેતાઓ નરહરી ઝિરવાળ, છગન ભુજબળ, દિલીપ વળસે-પાટીલ, ધનંજય મુંડે અને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકરે છે આવી સ્થિતિમાં પક્ષમાં પદોને લઈને વિખવાદ ઊભો ન થાય અને પક્ષમાં ભાગલા ન પડે એવા પ્રયાસો કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. સુનેત્રા પવાર અને પ્રફુલ્લ પટેલ એનસીપીમાં એવા નામ છે જેનો કોઈ વિરોધ કરી શકે નહીં.



