ચૂંટણીમાં આ પક્ષના જીલ્લા અધ્યક્ષોની થશે ચાંદી, દરેકને મળશે નવી નકોર ગાડી
મુંબઇ: દેશમાં જલ્દી જ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભીની ચૂંટણી થશે અને પછી તરત જ નગરપાલિકા માટે મતદાન થશે. ત્યારે મતદારોને રિઝવવા ઉપરાંત દરેક પક્ષ પોતાના કાર્યકર્તા અને પદાધિકારીઓને પણ ખૂશ રાખવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે આ ચૂંટણી અજિત પવાર જૂથના જીલ્લા અધ્યક્ષોને ચાંદી કરાવશે. કારણ કે અજિત પવાર જૂથ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગી થાય તે માટે દરેક જીલ્લા અધ્યક્ષને એક નવીનકોર ગાડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથના દરેક જીલ્લા અધ્યક્ષને પોતાના જીલ્લામાં પ્રચાર કરવા માટે અને ફરવા માટે પક્ષ દ્વારા નવી નકોર ગાડી આપવામાં આવનાર છે. આ અંગેની જાહેરાત અજિત પવારે થોડા દિવસો પહેલાં કરી હતી. લગભગ 40થી વધુ ગાડીઓ અજિત પવાર જૂથ દ્વારા ખરીદવામાં આવી રહી છે. આ ગાડીઓ આજે સ્ટેટ ડ્રાઇવ માટે પક્ષના કાર્યાલય પર દાખલ થઇ હતી.
આ વાતને લઇને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથના વિધાનસભ્ય જીતેન્દ્ર આવ્હાડે આ વાતની ટીકા કરતાં જણાવ્યું હતું કે, દરેકને ગાડી સાથે બાંધી રાખવાથી કોઇ ભાગી નહીં જાય. કોઇ ભાગી જશે તેવો ડર તેમને સતત લાગી રહ્યો છે. ક્યારે શું થશે એ કંઇ કહી નહીં શકાય. એકવાર ચૂંટણી જાહેર થવા દો પછી જુઓ કેવી નાસભાગ થશે. એ લોકો 40 શું 400 ગાડી લેશે.
થોડા સમય બાદ તો તેઓ દરેક વિધાનસભ્યને પણ ગાડી આપશે. ગાડી સાથે બે માણસો અને ડ્રાઇવર પણ આપવાના છે. કારણ કે દરેક પર નજર રાખવી પડશે ને, ચૂંટણી જાહેર થયા બાદ કોઇ ભાગી ના જવું જોઇએ. એવી ટીકા આવ્હાડે કરી હતી.
અવ્હાડની આ ટીકાને કારણે રાષ્ટ્રવાદીના બંને જૂથ વચ્ચે તૂં તૂં મેં મેં શરુ થઇ ગઇ છે. ત્યારે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેને જ્યારે પત્રકારણે પ્રશ્ન પૂછ્યો ત્યારે અવ્હાડની ટીકાના જવાબમાં તેમણે કહ્યું કે, અમે જ્યારે સાથે હતાં ત્યારે પણ ગાડીઓ અપાતી હતી. જે લોકો માત્ર પ્રસીદ્ધી મેળવવા આડા અવડા સ્ટેટમેન્ટ કરતાં હોય તેવી વ્યક્તીના નિવેદન પર વાત કરવાની મને કોઇ ઇચ્છા નથી.