અજિત પવારનું સ્વપ્ન ચકનાચૂર: બિહારમાં 16 ઉમેદવારો ઉભા રાખ્યા: નોટા કરતાં પણ ઓછા મત મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વમાં રાજ્યની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ બિહારમાં સ્વબળે ઝંપલાવતા 16 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ મોટાભાગના ઉમેદવારો નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા ન હતા અને તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા.
પાર્ટીના વિભાજન પછી પાર્ટીનો રાષ્ટ્રીય દરજ્જો પુન:પ્રાપ્ત કરવા માટે અજિત પવારે આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ નબળા પ્રદર્શનને કારણે તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
આપણ વાચો: મહાયુતિમાં ઓછી બેઠકો મળશે: જૂથવાદ ઘટાડવા અજિત પવારની મહત્ત્વની બેઠક…
અવિભાજિત એનસીપીએ શરદ પવારના નેતૃત્વમાં ગોવા, બિહાર, ગુજરાત, દીવ-દમણમાં પોતાની પાંખો ફેલાવી હતી. જોકે, પાર્ટીના વિભાજન પછી રાષ્ટ્રીય દરજ્જો ગુમાવ્યો હતો. આ દરજ્જો પાછો મેળવવાના ઉદ્દેશ સાથે, બિહારમાં 16 ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા.
તેમાંના ત્રણ મતવિસ્તાર – મહુઆ, પિંપરા અને મણિહારીના ઉમેદવારોએ એક હજાર મતોનો આંકડો પાર કર્યો હતો. બાકીના 13 ઉમેદવારોને 200 થી 900ની વચ્ચે મત મળ્યા હતા.
ઘણા મતવિસ્તારોમાં એનસીપીના ઉમેદવારને ‘નોટા’ કરતાં પણ ઓછા મત મળ્યા હતા. બિહારમાં ચૂંટણીની જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને રાજ્યસભા સાંસદ પ્રફુલ્લ પટેલ પર હતી. અજિત પવારની એનસીપી મહારાષ્ટ્રમાં એનડીએ સાથે છે, પરંતુ તે બિહારમાં સ્વબળે લડી હતી.
આપણ વાચો: પુત્ર સામે જમીન સોદામાં ગેરરીતિના આરોપો લાગ્યાના બીજા દિવસે અજિત પવાર મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા
આ અંગે, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બ્રિજમોહન શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ‘આ ચૂંટણીમાં, મહારાષ્ટ્રનો એક પણ સ્ટાર પ્રચારક બિહારમાં આવ્યો નહોતો. એનસીપીના તમામ 16 ઉમેદવારો પોતાના દમ પર લડ્યા હતા.
અજીત પવારની એનસીપીને બિહારમાં ફક્ત 0.03 ટકા મત મળ્યા છે. જ્યારે ‘નોટા’ (ઉપરમાંથી કોઈ વિકલ્પ પસંદ નથી)ને 1.82 ટકા મત મળ્યા છે, જે એનસીપી કરતા વધુ છે. જ્યારે શરદ પવાર પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે પાર્ટીના વિધાનસભ્ય અને સાંસદ પણ બિહારમાં ચૂંટાયા હતા.
ઉમેદવારને પોતાની ડિપોઝીટ બચાવવા માટે ઓછામાં ઓછા 16.66 ટકા મત મેળવવાની જરૂર છે. પરંતુ 16 એનસીપી ઉમેદવારોમાંથી કોઈ પણ ઓછામાં ઓછા 1/6 મત મેળવી શક્યું નથી. અજિત પવારની એનસીપી માટે રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત કરવો એટલું સરળ નથી.
જીત પાછળ લાડકી બહેનો: અજિત પવાર
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પાછળ લાડકી બહેનો મુખ્ય આધાર રહી છે. બિહારના લોકોએ ફરી એકવાર ‘ડબલ એન્જિન’ સરકારના કાર્યપ્રણાલીમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે. આ જીત સુશાસન અને સામાજિક ન્યાયની છે. બિહારના પરિણામો પર અજિત પવારે કહ્યું કે, આ ‘એનડીએ’ની એકતા અને સ્થિર નેતૃત્વની જીત છે.



