અજિત પવારે બારામતીવાસીઓને આ શું કહ્યું?, રાજકારણ ગરમાયું…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજકીય નેતાઓમાં આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, જ્યારે દિગ્ગજ નેતાઓ પણ મહત્ત્વના નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવારનો લોકસભા ચૂંટણીમાં પરાજય થયો હતો. આ હારથી અજિત પવારને ખાસ્સું દુઃખ થયું હતું. બારામતીમાં બોલતા અજિત પવારે રવિવારે પોતાના દિલની વાત વ્યક્ત કરી હતી. અજિત પવારે કહ્યું કે, બારામતીવાસીઓને મારા બદલે અન્ય વિધાનસભ્ય મળવો જોઈએ. જેના કારણે અજિત પવાર બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
અજિત પવારે કહ્યું, અમે લાખો મતોથી ચૂંટાઈ આવનારા માણસો છીએ. હું લગભગ ૬૫ વર્ષનો છું. હું સંતોષી જીવ છું. અજિત પવારના નિવેદન બાદ કાર્યકરોએ જોરશોરથી નારા લગાવવા શરૂ કરી દીધા હતા. ‘એક જ દાદા અજીત દાદા’ના નારા લગાવ્યા હતા. અજિત પવારે તેમને રોક્યા અને ફરી કહ્યું હતું કે બારામતીવાસીઓએ મારા સિવાય એક વખત અન્ય વિધાનસભ્ય મેળવવો જોઈએ. પછી તમે તેની અને મારી કારકિર્દીની તુલના કરજો.
આ પણ વાંચો : મારા દીકરી-જમાઇને નદીમાં ફેંકી દો… અજિત પવારના મંત્રીના નિવેદનથી મચ્યો હંગામો…
બારામતીવાસીઓને કહ્યા વગર બધું મળી ગયું છે. કહ્યા વગર જ રસ્તા બનાવાયા. પીવાના પાણીની યોજના કહ્યા વગર આવી. પૂછ્યા વગર મેડિકલ કોલેજ મેળવી હતી. આયુર્વેદિક કોલેજ મેળવી. હાલમાં બારામતી શહેર સિવાયના મતવિસ્તારોમાં ૭૫૦ કરોડના કામો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પાંચ વર્ષમાં એટલું કામ થયું નથી, જેટલું બારામતીમાં થયું છે.
કોરોનામાં એક વર્ષ વીતી ગયું અને એક વર્ષ સત્તામાં નહોતો. નહિંતર, વધુ કામ થયું હોત. કોઈ પણ અલગ અફવાઓ પર તરત જ વિશ્વાસ ન કરો. એનસીપીએ મને રાજ્યની જવાબદારી સોંપી છે, એટલે મારે રાજ્યમાં ફરવું જરૂરી છે. હું સીધું ને સટ બોલનાર તરીકે જાણીતો છું. બારામતી શહેર હોય કે ગામડાં, આપણે વિકાસ કરી રહ્યા છીએ. વિકાસના કામોને કઈ રીતે પ્રાથમિકતા આપી શકાય તે જોવું જોઈએ. વિકાસ એ આપણી સામૂહિક જવાબદારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.