Ajit Pawar બારામતીમાં વિપક્ષ પર વરસ્યાઃ કોઈની પણ તાકાત નથી…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં શરદ પવારના ગઢ મનાતા બારામતીથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે હારી ગયા હતા. જોકે, વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ અજિત પવારે બારામતીથી જ ફૂંક્યું છે અને બારામતી ખાતે સભા યોજીને વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા છે.
રવિવારે બારામતી ખાતેથી પોતાના વિધાનસભા અભિયાનની શરૂઆત કરતા સભા દરમિયાન પવારે લોકોને અપીલ કરી હતી કે તે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણા પર ભરોસો ન કરે. જ્યાં સુધી તે જીવતા છે ત્યાં સુધી કોઇની પણ બંધારણ બદલવાની હિંમત નહીં કરે.
આ પણ વાંચો : Maharashtra: નાયબ સીએમ Ajit Pawarએ બારામતીથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
તેમણે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન લોકો તમને ખોટી વાતો કહેશે. તે કહેશે કે અમે બંધારણ બદલી નાંખીશું. પરંતુ તમે તેમના પર વિશ્વાસ ન કરતા. જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી કોઇની બંધારણ બદલવાની હિંમત નથી.
આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકકલ્યાણની વિવિધ યોજનાઓ અંગે પણ લોકોને જણાવ્યું હતું. તેમણે મહિલાઓ માટે જાહેર કરવામાં આવેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના અંતર્ગત યોજના માટે પાત્ર ઠરતી મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
પવારે જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ગરીબો, મહિલાઓ અને ખેડૂતોના કલ્યાણનું છે. હાલમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં આ વાત સ્પષ્ટ થઇ ગઇ છે. લાડકી બહેન યોજના, ત્રણ સિલિન્ડર મફત, ગરીબ વિદ્યાર્થીનીઓ માટે મફત ઉચ્ચ શિક્ષણ, ખેડૂતો માટે મફત વીજળી અને યુવાનો માટે મફત પ્રશિક્ષણ અને સ્ટાઇપેન્ડ વગેરે યોજનાઓ અમારી સરકારનું ધ્યાન લોકોના કલ્યાણ પર કેન્દ્રીત છે તે સાબિત કરે છે, તેમ પવારે જણાવ્યું હતું.