મહારાષ્ટ્રમાં Covid-19ના ગાઈડલાઇન્સને લઈને અજિત પવારે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં થતાં વધારાને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રના ડૉક્ટરોને સૂચના આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે નાગરિકોએ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ, આ પહેલા જેમ કોરોના વખતે નાગરિકોએ સરકારને સાથ આપ્યો હતો એ જ રીતે આ વખતે પણ આપવો જોઈએ. જો રાજ્યમાં કોરોના કેસમાં વધારો થશે તો ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવશે, એવું નિવેદન અજિત પવારે આપ્યું હતું.
રાજ્યમાં અત્યાર સુધીમાં 110 કોરોના JN.1 વેરિયન્ટના કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ 914 એક્ટિવ કેસ છે અને 171 નવા કેસ નોંધવામાં આવ્યા હતા. કોરોના કેસમાં વધારા અંગે એક અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યમાં અત્યાર સુધીમાં 15,404 લોકોની કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 3,045 આરટી-પીસીઆર અને 12,359 આરએટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં ગઇકાલે 117 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા અને બે લોકોનું મૃત્યુ થયું હતું. કોરોનાની નવી લહેર આવ્યા બાદ રાજ્યનો રિકરવી રેટ 98.17 ટકા, ટેસ્ટિંગ બાદ પોઝિટિવ રેટ 1.11 ટકા અને મૃત્યુ રેટ 1.81 ટકા રહ્યો છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવાયું હતું.