વિધાનસભ્ય અપાત્રતા પિટિશનનો જવાબ આપવા અજિત પવાર જૂથે માગ્યો વધુ સમય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના વિધાનપરિષદના સભ્યોની અપાત્રતા પિટિશનની સુનાવણીમાં નવી વાત સામે આવી છે. એનસીપીના અજિત પવાર જૂથે અપાત્રતા પ્રકરણની નોટિસનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય માગ્યો છે.
અપાત્રતા પ્રકરણમાં એનસીપીના બંને જૂથોના વિધાનસભ્યોને વિધાનમંડળ સચિવ તરફથી પાંચમી ડિસેમ્બરે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં તેમને આઠ દિવસમાં જવાબ આપવાનું જણાવવામાં આવ્યું હતું. અજિત પવાર જૂથે જવાબ આપવા માટે એક મહિનાનો વધારાનો સમય માગ્યો છે. શરદ પવાર જૂથે બીજી તરફ વિધાનસભ્ય અપાત્રતાની નોટિસ સંદર્ભે પોતાનો જવાબ નોંધાવી દીધો છે.
શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા પિટિશન પર 10 જાન્યુઆરી સુધીનો મુદતવધારો આપ્યો છે અને તેથી વિધાનસભા અધ્યક્ષ આ પ્રકરણે શું ચુકાદો આપે છે તેની રાહ જોવાઈ રહી છે.
10 દિવસ પહેલાં એટલે કે 15 ડિસેમ્બરે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સૂચક નિવેદન કરતાં કહ્યું હતું કે આ પ્રકરણે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવશે. આ ચુકાદો દેશ માટે દાખલારૂપ બની રહેશે, એમ રાહુલ પણ નાર્વેકરે કહ્યું હતું.