મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક હસ્તીઓ અને રાજકીય નેતાઓએ લાલબાગના રાજાના દર્શન કર્યા છે. એવી જ રીતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ એનસીપીના કેટલાક કાર્યકરો અને પદાધિકારીઓ સાથે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ દર્શન કરીને ગયા બાદ અનેક ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
લાલબાગના રાજાના દરબારમાં અજીત પવારની મુલાકાત હાલમાં ભારે ચર્ચાનો વિષય બની રહી છે. અજિત પવાર સાથે એનસીપીના કેટલાક કાર્યકરો પણ બાપ્પાના દર્શને ગયા હતા. આમાંથી એક અધિકારીએ લાલબાગના રાજાના ચરણોમાં ચિઠ્ઠી લખી હતી. અજીત દાદાને મુખ્ય પ્રધાન બનાવવાનું તેમાં સૂચન કરવામાં આવ્યું હતું.
આ નોટનું લખાણ મીડિયાના કેમેરામાં કેદ થતાં જ તેની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ નોટ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. તેથી ફરી એકવાર અજિત પવારને મુખ્ય પ્રધાન પદ મળવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ બધા પછી અજિત પવાર દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે અજિત પવાર આજે સવારે લાલબાગના રાજાના દર્શન કરવા ગયા હતા. તે સમયે, દાદા પ્રત્યેના પ્રેમથી, એક ઉત્સાહી કાર્યકર્તાએ લાલબાગના રાજાના ચરણોમાં એક ચિઠ્ઠી લખી હતી કે ‘અજિત દાદાને મુખ્ય પ્રધાન બનવા દો’. અજીતદાદા કાર્યકરોની આ લાગણીઓને સમજી શકે છે. પરંતુ અજિતદાદાએ મીડિયાને વિનંતી કરી છે કે તેઓ આવા સનસનાટીભર્યા સમાચાર ન ફેલાવે, એમ નિવેદનમાં જણાવાયું છે.
અજિત પવાર બુધવારે સવારે લાલબાગના રાજાના દર્શન કરવા ગયા હતા. અજિત દાદાએ લાલબાગના રાજાનું પૂજન કર્યું હતું અને અહીંથી વિદાય લીધી હતી. જો કે, આ વખતે તેમની સાથે રહેલા એનસીપીના અધિકારી રણજીત નરોટેએ લાલબાગના રાજાના ચરણોમાં એક ચિઠ્ઠી મૂકી હતી. આ પત્ર દ્વારા નરોટેએ અજિત પવારને મુખ્ય પ્રધાન બનાવવા માટે બાપ્પાના આશિર્વાદ માગ્યા હતા. આ પત્રમાં લખાણ લખવામાં આવ્યું હતું કે ‘હે લાલબાગના રાજા, અમારા અજીતદાદા પવારને મહારાષ્ટ્ર રાજ્યના જલદી મુખ્ય પ્રધાન બનવા દો’. આ લખાણની રાજકીય વર્તુળોમાં સારી એવી ચર્ચા થઈ રહી છે.