શિંદેને પગલે અજિત પવારઃ અકસ્માતને જોઈને અચાનક કાફલો રોક્યો અને, વીડિયો વાઈરલ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની માફક તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ અકસ્માત જોઈને તાત્કાલિક પોતાનો કાફલો રોક્યો હતો અને અસરગ્રસ્તોને સત્વરે મદદ કરવા માટે દોડી ગયા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમનો કાફલો રોકીને તુરંત અકસ્માતગ્રસ્તોને મદદ કરવા દોડી ગયા હતા. આજે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ આ જ રીતે રસ્તામાં થયેલા અકસ્માતમાં જખમી વ્યક્તિની મદદ માટે પોતાનો કાફલો ઊભો રાખી તેની મદદ કરી હોવાની ઘટના સામે આવી હતી.
આ પણ વાંચો : દીકરાની ઑડીએ નાગપુરમાં વાહનોને હડફેટે લીધા તો ભાજપ અધ્યક્ષે કહ્યું કે…
અજિત પવાર પુણેના સર્કિટ હાઉસ પાસેથી પસાર થઇ રહ્યા હતા અને એ જ વખતે ત્યાં એક અકસ્માત સર્જાયો હતો. સવારે લગભગ પોણા સાત વાગ્યે આ દુર્ઘટના બની હતી અને એ વખતે અજિત પવારનો કાફલો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. અકસ્માત થયો હોવાનું જણાતા અજિત પવારે પોતાનો કાફલો ઊભો રાખ્યો હતો અને જખમી વ્યક્તિની મદદ કરી હતી.
આ ઘટનાનો વીડિયો પણ ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો, જેમાં અજિત પવારનો કાફલો પસાર થઇ રહ્યો હોય છે ત્યારે રસ્તાની બીજી બાજુ સ્કુટી પર સવાર એક વ્યક્તિ અકસ્માતનો ભોગ બને છે. ત્યાં હાજર લોકો સ્કુટીને એક બાજુ પાર્ક કરીને પછી ઘાયલ વ્યક્તિને રસ્તાની બાજુમાં બેસાડતા વીડિયોમાં જોઇ શકાય છે.
એવામાં અજિત પવાર પોતાનો કાફલો રોકે છે અને તેમની સાથે તેમના કાફલાના લોકો આવીને અકસ્માત સર્જાયો હોય છે એ સ્થળેે પહોંચે છે. વીડિયોમાં અજિત પવાર જખમી વ્યક્તિ પાસે પહોંચી તેમની મદદ કરતા અને તેમને હાલચાલ પૂછતા જોઇ શકાય છે.