આમચી મુંબઈ

નિધનના ચાર દિવસ પહેલાં જ અજિત પવારે કહ્યું હતું કે નિયતીનો બોલાવો આવે તો…

મુંબઈઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક નિધન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફારોની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અજિતદાદાના એ વીડિયોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે જેમાં દાદાએ નિયતી અને કાળના બોલાવાની વાત કરી હતી. લોકો એવી અટકળો લગાવી રહ્યા છે શું દાદાને પહેલાંથી જ તેમના મૃત્યુનો અંદાજો આવી ગયો હતો? ચાલો જોઈએ નિધનના ચાર દિવસ પહેલાં મહારાષ્ટ્રના કાન્હેરી ખાતે યોજાયેલી સભામાં દાદાએ શું કહ્યું હતું…

નિયતીનો બોલાવો આવે તો જવું પડે…
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે 24મી જાન્યુઆરીના રોજ બારામતીના કાન્હેરીમાં આપેલી તેમની છેલ્લી સ્પીચમાં તેમણે જે આધ્યાત્મિક વાતો કરી હતી, તે આજે તેમના નિધન બાદ સાચી સાબિત થતી દેખાઈ રહી છે. અજિતદાદાના અવસાન બાદ હવે પક્ષના વિલય અને વારસાને લઈને અનેક મહત્વની અપડેટ્સ પણ સામે આવી રહી છે.

મહારાષ્ટ્રના કાન્હેરી ખાતે યોજાયેલી એક ચૂંટણી રેલીને સંબોધતા અજિત પવારે મરાઠીમાં કહ્યું હતું કે, આ દુનિયા હંમેશા માટે નથી. આપણે બધા આજે અહીં છીએ, કાલે નહીં હોઈએ. જો સમય અને નિયતિનો બોલાવો આવે તો જવું પડે, રાજકારણ જ બધું નથી, એ તો ચાલ્યા કરશે. આપણે આર્થિક સમૃદ્ધિ પર ધ્યાન આપવું જોઈએ. તેમના આ શબ્દોના માત્ર ચાર દિવસ બાદ જ એટલે કે 28મી જાન્યુઆરીના રોજ બારામતી એરપોર્ટ પર થયેલાં પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું.

આજે શુક્રવારે સવારે અજિત પવારના બંને પુત્રો જય અને પાર્થ પવાર વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પિતાની અસ્થિઓ એકત્ર કરી હતી. આ દુઃખદ સમયે પરિવારના વડીલ શરદ પવાર પણ તેમની સાથે હાજર રહ્યા હતા. અજિત પવારના નિધનથી ખાલી પડેલી જગ્યા અને પક્ષની જવાબદારી અંગે મોટી ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે.

મગજ જ હજી સુધી સુન્ન છેઃ રોહિત પવાર
દરમિયાન અજિત પવારના ભત્રીજા રોહિત પવારેની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. રોહિત પવારે જણાવ્યું હતું કે અજિતદાદાએ જ્યાં વિકાસરૂપી ફૂલોનો બગીચો સજાવ્યો હતો ત્યાં જ તેમના અસ્થિ એકઠા કરવા પહોંચવું પડશે એવું સ્વપ્નેય નહોતું વિચાર્યું. પરંતુ નિયતીના ક્રુર ખેલ સામે કોઈનું કંઈ જ ચાલતું નથી. અજિતદાદા નિધનના દુઃખદ સમાચાર આવ્યા ત્યારથી જ મારું મસ્તક આજ સુધી એકદમ સુન્ન છે.

સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માટે હિલચાલ
મળતી માહિતી અનુસાર પ્રફુલ પટેલ, છગન ભુજબળ અને સુનિલ તટકરે જેવા દિગ્ગજ નેતાઓએ સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી હતી અને આ પ્રસ્તાવ અંગે ટૂંક સમયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરવામાં આવશે. સુનેત્રા પવાર અજિત પવારની બારામતી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે.

બંને એસપીસી એક થશે, અજિત પવારે તૈયાર કર્યો રોડ મેપ
આ સિવાય અજિત પવારના નિધન બાદ હવે બંને એનસીપી (શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ) એક થાય તેવા સંકેતો મળી રહ્યા છે. અજિત પવારના નજીકના સાથી કિરણ ગુજરે જણાવ્યું કે, અજિત દાદા પોતે બંને જૂથોને મિલાવવા માટે 100 ટકા ઉત્સુક હતા અને તેમણે તેનો રોડમેપ તૈયાર કરી લીધો હતો. એનસીપી ના વરિષ્ઠ નેતા જયંત પાટીલે પણ સ્વીકાર્યું છે કે વિલય અંગે અજિત પવાર સાથે અનેક બેઠકો થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવાનો હતો.

મહારાષ્ટ્ર સરકારે આ ભયાનક વિમાન દુર્ઘટનાની ગંભીરતાને જોતા સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. હાલમાં પોલીસ અને એસઆરપીએફના જવાનોએ અકસ્માત સ્થળને બેરિકેડિંગ કરીને સીલ કરી દીધું છે જેથી કોઈ પુરાવા સાથે છેડછાડ ન થાય.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button