Election પહેલા અજિત પવારને ફાયદોઃ ‘ઘડિયાળ’નું ચિહ્ન વાપરી શકશે, પણ…

નવી દિલ્હી: ચૂંટણી ચિહ્ન ‘ઘડિયાળ’ વાપરવા અંગે શરદ પવાર જૂથ દ્વારા કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્યોનો જવાબ માગ્યો હતો. અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન વાપરવા ન દેવામાં આવે એવી માગણી સાથે શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં બીજી ઓક્ટોબરે અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને આ અંગે નવેસરથી સોગંદનામું રજૂ કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટના ૧૯મી માર્ચ અને ચોથી એપ્રિલના આદેશ સહિત ‘અમે ચૂંટણી ચિહ્ન ઘડિયાળનો ઉપયોગ કરી રહ્યા છીએ’ એવી પબ્લિક નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો અને કોઇ પણ પરિસ્થિતિમાં આ આદેશનું પાલન થવું જ જોઇએ એમ પણ કહ્યું હતું.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને ઘડિયાળ ચિહ્ન વાપરવાની પરવાનગી આપી છે, પરંતુ આ ચિહ્નની બાજુમાં આ પ્રકરણ કોર્ટને આધિન હશે એવી સૂચના લખવાનું પણ કહ્યું હતું.
આ પણ વાંચો : સમીર ભુજબળે આપ્યું રાજીનામું! અજિત પવારે ઉમેદવારી ન આપતા નારાજગી
વિધાનસભાની ચૂંટણીની અરજી ભરવાની મુદત ૨૯મી ઓક્ટોબરે પૂરી થવાની છે. તે અગાઉ સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવો એવું શરદ પવાર જૂથનું કહેવું હતું. એનસીપીના બન્ને જૂથને ઘડિયાળ ચિહ્નનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે એવી માગણી કરાઇ હતી.
શરદ પવાર જૂથના વકીલે કોર્ટને કહ્યું હતું કે ૧૯મી માર્ચના કોર્ટના નિર્ણય પ્રમાણે અજિત પવારને ઘડિયાળનું ચિહ્ન વાપરવાની શરતી મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અજિત પવાર જૂથ દ્વારા કોર્ટના આદેશનું પાલન થઇ રહ્યું નથી તથા ચૂંટણીમાં શરદ પવારના નામનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શરદ પવારના વકીલ તરફથી અમુક ફોટા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોર્ટે અજિત પવાર જૂથને પ્રશ્ર્ન કર્યો હતો કે તમારા તરફથી આદેશનું પાલન કેમ કરાતું નથી? ત્યારે અજિત પવાર જૂથના વકીલે કહ્યું હતું કે અમે દરેક આદેશનું પાલન કરી રહ્યા છે જ્યારે શરદ પવાર જૂથ દ્વારા દરેક ફોટો કોર્ટમાં દેખાડવામાં આવ્યા નથી.