Election Result: અજિત પવાર બારામતીનો જંગ જીત્યા, ભત્રીજાને 1 લાખથી વધુ મતથી હરાવ્યો…
બારામતી: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી પ્રમુખ અજિત પવારે પોતાના ભત્રીજા અને એનસીપી (એસપી)ના ઉમેદવાર યુગેન્દ્ર પવારને એક લાખથી વધુ મતના તફાવતથી હરાવીને પોતાના પરંપરાગત બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો છે.
આ પણ વાંચો : Election Result: ઓવૈસીના સપનાં પર પાણી ફર્યું, જાણો ક્યાં, કેટલા મત મળ્યા?
ગયા વર્ષે કાકા શરદ પવાર સાથે છેડો ફાડી નાખનાર અજિત પાવર પુણે જિલ્લાના પારિવારિક ગઢમાંથી આઠમી વખત ચૂંટાઈ આવ્યા છે. તેમને 1 લાખ 81 હજાર 132 મત મળ્યા હતા જ્યારે યુગેન્દ્ર પવારને 80 હજાર 233 મત મળ્યા હતા. આમ અજિત પવારે પોતાના નાના ભાઈના પુત્રને 1 લાખ 899 મતથી હરાવ્યા છે.
પાંચ મહિના પહેલા શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી (એસપી)એ લોકસભા ચૂંટણીમાં બારામતીમાં વિજય મેળવ્યો હતો, જેમાં વર્તમાન સંસદ સભ્ય અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેએ અજિત પવારની પત્ની સુનેત્રાને દોઢ લાખ મતના તફાવતથી પરાજય આપ્યો હતો.
એનસીપીના બંને જૂથોએ વિધાનસભા પ્રચાર દરમિયાન કોઈ કસર છોડી ન હતી, અને શરદ પવારનાં પત્ની પ્રતિભા પવાર અને સુપ્રિયાની પુત્રી રેવતી પણ યુગેન્દ્ર માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. અજિત પવાર બારામતીમાં તેમની સમાપન રેલી દરમિયાન તેમની માતાને સ્ટેજ પર લાવ્યા હતા.
શરદ પવારે બારામતીના લોકોને કહ્યું હતું કે તેમને નવા નેતૃત્વની જરૂર છે. તેમણે યુગેન્દ્ર પવારનો ઉલ્લેખ કરી ઉચ્ચ શિક્ષિત ઉમેદવાર ગણાવ્યા હતા. અજિત પવારે લોકોને ચેતવણી આપી હતી કે તેઓ વરિષ્ઠ પવારની ભાવનાત્મક વાતોમાં આવી ન જવું જોઈએ.
આ પણ વાંચો : જનતાએ જવાબ આપ્યો અસલી શિવસેના-એનસીપી કોની છે: શિંદે-અજિત પવાર…
હાલ રાજ્યસભાનાં સભ્ય સુનેત્રા પવારએ ફરી એક વાર ‘દાદા’ (મરાઠીમાં મોટા ભાઈ, અજિતને પ્રેમથી બોલાવવામાં આવે છે)માં વિશ્વાસ મુકવા બદલ બારામતીના લોકોનો આભાર માન્યો હતો.