અજિત પવાર નારાજ કે ધર્મસંકટમાં?
બારામતીનો ગઢ તોડવાની સોપારી મળી હોવાથી ચિંતાગ્રસ્ત
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નારાજ હોવાની ચર્ચા કેટલાક દિવસોથી થઈ રહી છે અને તેને કારણે રાજ્યની સરકાર પર સંકટ હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ મુંબઈ સમાચારને આધારભૂત સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ અજિત પવાર નારાજ નથી, પરંતુ ધર્મસંકટમાં ફસાયા છે અને આમાંથી બહાર નીકળવા માટે આત્મચિંતન કરી રહ્યા છે. આ જ કારણે તેઓ અત્યારે સરકારમાં સક્રિય થઈ રહ્યા નથી.
ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ બારામતીનો ગઢ કબજે કરવા માગે છે અને આને માટે અત્યાર સુધી કરવામાં આવેલા બધા પ્રયાસો નિષ્ફળ ગયા હોવાથી પવાર વિરુદ્ધ પવારની રમત કરીને આ કિલ્લો સર કરવાની યોજના ઘડવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આધારભૂત સાધનો પાસેથી
મળેલી માહિતી મુજબ ભાજપના કેન્દ્રીય નેતૃત્વે અજિત પવાર પાસે એનસીપીના ગઢની જ માગણી કરી હોવાથી તેઓ ચિંતામાં છે. ફક્ત રાજકીય ફાયદા માટે બહેન સુપ્રિયા સુળેની વિરુદ્ધ કામ કરવું કેટલું યોગ્ય છે? એવો ગંભીર પ્રશ્ર્ન તેમને પડી રહ્યો છે અને આનાથી વધીને પણ આવું કામ કર્યા પછી આખા રાજ્યની જનતાનો સામનો કેવી રીતે કરવો તેની પણ ચિંતા તેમને સતાવી રહી છે.
મહાવિકાસ આઘાડી અને ઈન્ડિયા આઘાડીના સંગઠક અને સૌથી મહત્ત્વના નેતા શરદ પવારને તેમના જ ગઢમાં હરાવીને વિપક્ષને મોટો સંદેશ આપવાનો હેતુ ભાજપ ધરાવે છે અને તેને માટે છેલ્લા બે વર્ષથી ભાજપનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામન અહીં ચાર વખત આવી ગયા છે. દર છ મહિને ભાજપ દ્વારા આ વિસ્તારનું સર્વેક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. હજી સુધી ભાજપને અપેક્ષિત પરિણામો જોવા મળી રહ્યા નથી. હવે જ્યારે શરદ પવારના ભત્રીજા જ ભાજપને ગળે લાગ્યા છે ત્યારે તેમનો મહત્તમ ઉપયોગ પોતાના લક્ષ્ય માટે ભાજપ કરવા માગે છે. અત્યાર સુધી અજિત પવારની જીદ પૂરી કરવાના બદલામાં હવે તેમની પાસે બારામતીના ગઢની ચાવી માગવામાં આવી છે.
અજિત પવારે સુપ્રિયા સુળે સામે ઉમેદવાર ન આપવાનો નિર્ણય ભાજપના કેન્દ્રીય નેતૃત્વને જણાવી દીધો હતો એટલે જ ભાજપે ગયા વખતે સુપ્રિયા સુળે સામે પરાજિત થયેલા કાંચન કુલને ફરી તૈયારી આરંભ કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અજિત પવારને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે કૌટુંબિક મોહમાં પડવાને બદલે યુતિ ધર્મનું પાલન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
ચાર મહિના પહેલાં બારામતીથી સુપ્રિયા સુળેનો પરાજય અશક્ય જણાતો હતો, કેમ કે છમાંથી ચાર વિધાનસભા કૉંગ્રેસ-એનસીપી પાસે હતી, પરંતુ હવે ગણિત બદલાયું છે. બારામતી વિધાનસભામાં અત્યારે શરદ પવાર જૂથનો એકેય વિધાનસભ્ય નથી. દૌંડમાં રાહુલ કુલ (ભાજપ અને કાંચન કુલના પતિ), ખડકવાસલામાં ભીમરાવ તપકીર (ભાજપ), પુરંદરમાં સંજય જગતાપ (કૉંગ્રેસ), ભોરમાં સંગ્રામ થોપટે (કૉંંગ્રેસ), ઈંદાપુરમાં દત્તાત્રેય ભરણે (અજિત પવાર જૂથ) અને બારામતીમાંથી અજિત પવાર પોતે વિધાનસભ્ય છે. આમ ભાજપ અને અજિત પવાર જૂથ મળીને ચાર વિધાનસભ્ય અત્યારે ભાજપ પાસે છે. ફક્ત બારામતી વિધાનસભા વિસ્તારમાંથી ગયા વખતે સુપ્રિયા સુળેને એક લાખ મતની લીડ મળી હતી અને તેને કારણે જ કાંચન કુલ હારી ગઈ હતી. હવે અજિત પવાર ભાજપ સાથે હોવાથી બારામતીમાં મતોની વહેંચણી થાય તો સુપ્રિયા સુળેનો પરાજય નિશ્ર્ચિત હોવાનું ભાજપ માની રહ્યો છે.
અજિત પવાર માટે આ એક મોટું ધર્મસંકટ છે કેમ કે બારામતી લોકસભા મતદારસંઘમાં સુપ્રિયા સુળેનું ઈલેક્શન કેમ્પેન અત્યાર સુધી ખુદ અજિત પવાર કરતા હતા. કાર્યકર્તાની નિયુક્તિ, સ્થાનિક સંસ્થામાં પદાધિકારીઓની પસંદગી, સ્થાનિક સ્તરે ઉમેદવારી આપવી, પદોની વહેંચણી કરવી આ બધું કામ અજિત પવાર કરતા હોવાથી અત્યાર સુધી સુપ્રિયા સુળેએ આ બધા કામની હથોટી મેળવી નથી. આવી સ્થિતિમાં અજિત પવાર ભાજપ માટે કામ કરે તો સુપ્રિયાની સ્થિતિ કફોડી થઈ શકે છે.
અજિત પવાર માટે અત્યારે આ મોટું ધર્મસંકટ આવીને ઊભું છે કે અલગ થયા પછી પણ જે બહેન ભાઈ માટે ખરાબ બોલતી નથી તે બહેનના પરાજય માટે કામ કેવી રીતે કરવું? જે બહેન જાહેરમાં અજિત પવાર માટે લાગણીશીલ બની જાય છે તેને કેવી રીતે છેહ આપવો?
બીજી તરફ સિનિયર પવારને ભાજપની ચાલ સમજમાં આવી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, કેમ કે હવે તેમણે મહાદેવ જાનકરને ખેંચવાના પ્રયાસ ચાલુ કરી દીધા છે. એક સમયે ભાજપની પડખે રહેલા મહાદેવ જાનકર ધનગર સમાજના મતો પર સારી પકડ ધરાવે છે અને બારામતી લોકસભા મતદારસંઘમાં ધનગર સમાજની ખાસ્સી વસ્તી છે. ૨૦૧૪માં ભાજપ વતી સુપ્રિયા સુળે સામે મેદાનમાં પડેલા મહાદેવ જાનકરને ૪,૫૧,૮૪૩ મત મળ્યા હતા અને સુપ્રિયાને ફક્ત ૬૯,૦૦૦ વધુ એટલે કે ૫,૨૧,૫૬૨ મત મળ્યા હતા. આમ જો મહાદેવ જાનકરને મેદાનમાં ઉતારીને ભાજપ વિરુદ્ધ એનસીપીના સીધા જંગને ત્રિપાંખીયો બનાવી નાખવામાં આવે તો કાંચન કુલના મત કપાઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને જાનકરને બારામતીથી ઉતારવાની રમત સિનિયર પવાર રમી રહ્યા છે. હવે અજિત પવાર અજ્ઞાતવાસમાંથી કેટલા દિવસે બહાર આવે છે તે જોવાનું રહેશે.