વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે હવે અજિત પવારે આ ભૂલ સ્વીકારી…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બહેન સુપ્રિયા સુળે સામે મારી પત્ની સુનેત્રા પવારને ઊભા રાખીને મેં ભૂલ કરી હતી, એવી કબૂલાત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી હતી. કોઇએ પણ રાજકારણ ઘર સુધી લાવવું જોઇએ નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી પહેલા નાયબ મુખ્ય પ્રધાન હાલમાં રાજવ્યાપી ‘જન સન્માન યાત્રા’ પર જેમાં તેઓ રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી લાડકી બહેન યોજના’નો પ્રચાર કરી રહ્યા છે જેના હેઠળ મહિલાઓને મહિને રૂ. ૧,૫૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીમાં બારામતીથી સુપ્રિયા સુળે સામે સુનેત્રા પવારને ઊભા રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમાં તેમની હાર થઇ હતી. ત્યાર બાદ સુનેત્રા પવાર રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા હતા.
આ પણ વાંચો : ગુલાબી સાડી પછી ટ્રેન્ડમાં આવ્યું છે અજિત પવારનું ગુલાબી જેકેટ, મહિલા મતદારોને રિઝવશે?
ગયા વર્ષે જુલાઇમાં અજિત પવાર અને અન્ય વિધાનસભ્યોએ શિવસેના-ભાજપની સરકારમાં જોડાયા હતા. ત્યાર બાદ ચૂંટણી પંચે અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપી જ ખરી હોવાનું જાહેર કર્યું હતું.
‘હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. હકીકતમાં રાજકારણ ઘરમાં ન લાવવું જોઇએ, પણ મારી બહેન સામે મારી પત્નીને ચૂંટણી મેદાનમાં ઊતારીને મેં મોટી ભૂલ કરી હતી. આવું ક્યારેય ન થવું જોઇએ, પણ એસપીના સંસદીય બોર્ડે આ અંગે નિર્ણય લીધો હતો.
હવે મને સમજાય છે કે તે નિર્ણય યોગ્ય નહોતો’, એમ અજિત પવારે વધુમાં જણાવ્યું હતું. રક્ષાબંધને તમે તમારી બહેનને મળશો એમ પૂછતા તેમણે કહ્યું હતું કે હાલમાં હું યાત્રા પર છું, પરંતુ જો તે દિવસે અમે એક જ જગ્યાએ હોઇશું તો ચોક્કસ મળીશું.
(પીટીઆઇ)