Maharashtra Politics: હવે જામનગરની જેમ બારામતીમાં પણ નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે ?
મુંબઈઃ ગુજરાતના જામનગર વિધાનસભામાં કૉંગ્રેસ (Congress) અને BJP વચ્ચે તો ટક્કર હતી જ , પરંતુ અહીં એક પરિવારની બે મહિલાઓ વચ્ચે પણ ટક્કર છે હતી અને બન્ને સંબંધોમા એકબીજાની નણંદ ભાભી થતાં હતાં. વાત છે રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja) પત્ની રિવાબા જાડેજા, જે ભાજપની ટિકિટ પર લડ્યા અને જીત્યા જ્યારે તેમની સામે કૉંગ્રેસની ટિકિટ પરથી નૈનાબા જાડેજાને ટિકિટ મળી હતી. બન્ને વચ્ચેની ચૂંટણી નો જંગ તો પૂરો થયો પણ પારિવારિક મામલાઓ ઘણીવાર સમાચારમાં આવે છે.
હવે આવું જ કંઈક મહારાષ્ટ્રમાં થવા જઈ રહ્યું છે અને અહીં આ યુદ્ધનું મેદાન હશે બારામતી (Baramati) . શરદ પવાર (Sharad Pawar)નો ગઢ છે અને ગઢના ગાબડું પાડવા ઘરના સભ્યએ જ બાંયો ચડાવી છે. એનસીપીના બે ફાંટા થયા છે ત્યાર ભત્રીજા અજિત પવારે (Ajit Pawar) બારામતીમાં બહેન સુપ્રિયા સુળે સામે લોકસભામાં ઉમેદવાર ઉતારવાની વાત કરી છે. હાલમાં તો ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, પરંતુ અહીં પવાર પરિવારનો દબદબો જોતા અજિત પવારના પત્ની સુનેત્રા પવારને જંગમાં ઉતારવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે. હાલમાં અહીંથી સુપ્રિયા સુળે સાંસદ તરીકે પ્રિતિનિધિત્વ કરે છે.
પવારે તાજેતરમાં જ કહ્યું કે બારામતીથી લોકસભા જીત્યા બાદ વિધાનસભાના ઉમેદવારની પણ ઘોષણા થશે. આથી અહીં નણંદ ભાભી વચ્ચે રાજકારણનો જંગ જામે તેવી પૂરી શક્યતા છે. બીજી બાજુ અજિત પવારે પોતે જો પક્ષના વડાના સંતાન હોત તો આજે પક્ષની કમાન મને મળી હોત તેવું નિવેદન આપી કાકા શરદ પવારને ટોણો માર્યો છે અને પક્ષમાં સુપ્રિયાને મળતા વધારાના માન કે મોકા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે ત્યારે શરદચંદ્ર પવાર જૂથના મુંબ્રાના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે અજિત પવારને વળતો પ્રહાર કરતા કહ્યું છે કે તેમને જે મળ્યું છે તે પણ કોઈના ભત્રીજા હોવાને લીધે મળ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિવસેના અને એનસીપીમાં જ ભંગાણ થયું છે આથી બન્ને પ્રાદેશિક પક્ષોના બે જૂથો વચ્ચે પણ જંગ જામશે.