બીડમાં કાયદો અને વ્યવસ્થા સંતોષકારક નથી, જિલ્લા નેતૃત્વ જવાબદાર’; અજીત પવારના વિધાનસભ્ય ધનંજય મુંડે પર લગાવ્યો આરોપ
બીડ: બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાને મામલે રાજકીય વર્તુળોમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. પોલીસે હજુ સુધી કેટલાક આરોપીઓની ધરપકડ કરી નથી. આરોપીઓને પકડવાની માગણી ઉઠી છે. આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેએ રાજ્યના પ્રધાન ધનંજય મુંડે પર આરોપ લગાવ્યો છે. વિધાનસભ્ય પ્રકાશ સોલંકેએ કહ્યું હતું કે, બીડ જિલ્લામાં ગુનાખોરી માટે જિલ્લાની નેતાગીરી જવાબદાર છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંતોષકારક નથી. જેના કારણે હવે એનસીપીમાં જ પ્રધાન ધનંજય મુંડેનો વિરોધ જોવા મળી રહ્યો છે.
‘બીડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંતોષકારક નથી. રેતી ચોરી, દારૂના વેચાણના ધંધાથી કેટલાક લોકોના હાથમાં મોટી રકમ આવે છે. આ જ કારણ છે ખંડણીની માંગણી, છેડતી અને હત્યાઓ માટે. સત્તાવાળાઓ લોકો અને પોલીસ પ્રશાસન પર દબાણ લાવે છે, એવો ગંભીર આરોપ સોલંકેએ કર્યો હતો. સરકારે એસઆઈટીનું ગઠન કર્યું, પોલીસ સુપરિન્ટેડન્ટની બદલી કરીને યુવાન જાબાંઝ આઈપીએસ અધિકારીને બીડમાં નિયુક્ત કરવામાં આવ્યા છતાં 18 દિવસ પછી પણ હત્યા અને ખંડણીના આરોપીઓને પકડી ન શકાય એવું કેવી રીતે થઈ શકે. આરોપીને રાજ્યાશ્રય ન હોય અથવા કોઈનું દબાણ ન હોય તો આવું થવું શક્ય નથી, એવી શંકા તેમણે વ્યક્ત કરી હતી.
Also read: અજિત પવારે 10 વર્ષ પછી શરદ પવારના નિર્ણયનું પુનરાવર્તન કર્યું
‘જિલ્લા નેતૃત્વ જવાબદાર’
પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષથી આ જિલ્લાનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે તેનું નામ લેવાની જરૂર નથી. હવે આ છેડતીના ગુનાના આરોપી એવા વાલ્મીક કરાડ મારફતે ખંડણીનું રેકેટ ચાલી રહ્યું છે. આ તમામ મામલામાં અમારા જિલ્લાની નેતાગીરી જવાબદાર છે એમ કહેવું ખોટું નહીં હોય. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘જો અજીતદાદા અથવા દેવેન્દ્ર ફડણવીસ બીડ જિલ્લાના પાલક પ્રધાનનું પદ સ્વીકારે તો મને લાગે છે કે જિલ્લાની સ્થિતિ બદલાઈ જશે.’