એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડાયું: બે વિદેશી મહિલાની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડી પાડ્યું હતું. આ પ્રકરણે બે વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલી બંને મહિલા આંતરવસ્ત્રોમાં અને લગેજમાં સોનું છુપાવીને લાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નાઇરોબીથી 10 જૂને છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી બંને વિદેશી મહિલાને કસ્ટમ્સ અધિકારીઓએ શંકાને આધારે આંતરી હતી. બંનેની તલાશી લેવામાં આવતાં 28 નંગ 22 કેરેટ સોનાની પિગાળેલી લગડીઓ, 70 નંગ 22 કેરેટ સોનાની પિગાળેલી લગડીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ. 19.15 કરોડ થાય છે.
દરમિયાન બંને મહિલા વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ હતી. બંને મહિલા ભૂતકાળમાં પણ આવી દાણચોરીમાં સંડોવાયેલી હોવાની શંકા છે. મુંબઈમાં તે સોનું કોને આપવાની હતી અને તેમની સાથે હજી કોઇ સંકળાયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.