બોલો, એરપોર્ટમાં સોનાની દાણચોરી કરવા મુદ્દે નવી ‘મોડસ ઓપરેન્ડી’ જાણો
મુંબઈ: મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Internationational Airport) પર સોનાની દાણચોરી (Gold Smuggling) કરવા મુદ્દે સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના ટોઇલેટમાં સોનું છુપાવવામાં આવતું ત્યાર બાદ તે સોનાને એરપોર્ટ પર હાઉસકીપીંગમાં કામ કરતી એક મહિલા એરપોર્ટની બહાર કાઢી એ દાણચોરની મદદ કરતી હતી. સોનાને એરપોર્ટની બહાર લાવવા માટે આ મહિલાને 50,000 રૂપિયાનું કમિશન પણ મળતું હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.
એરપોર્ટ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AUI) દ્વારા સોનાલી ભાલેરાવ નામની એક મહિલાની ગુરુવારે સવારે ધરપકડ કરી હતી. આ મહિલા સ્મગલર્સને સોનું મુંબઈ એરપોર્ટ પરથી બાહર લઈ જવામાં મદદ કરતી હતી. આરોપી મહિલા પાસેથી એક કરોડ 81 લાખ રૂપિયાની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. મહિલાને અદાલત સમક્ષ હાજર કરવામાં આવતા અને પછી તેને 14 દિવસ માટે કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
એરપોર્ટ પર આ પ્રકારે દાણચોરી કરવા મુદ્દે મહિલાએ પોતાનો ગુનો પણ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત, દાણચોરીના આખા રેકેટની માહિતી પણ પોલીસને આપી હતી. મહિલાએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તે બે વિદેશી નાગરિક પાસેથી બે ગોલ્ડના પાઉચ એરપોટના એક ટોઇલેટમાં છુપાવ્યા હતા. મહિલાની આ કબૂલાત બાદ કસ્ટમ વિભાગે એરપોર્ટના ટોઇલેટની તાપસ કરી સોનું જપ્ત કર્યું હતું.
આ બાબતે સૂત્રોએ કહ્યું હતું કે આ દાણચોરીમાં સામેલ વિદેશી નાગરિકોના નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આ પહેલા પણ આ રીતે સોનાની દાણચોરી કરતાં એક જૂથને પકડી પાડવામાં આવ્યું હતું. આ જૂથ પણ એક મહિલાની મદદથી સ્મગ્લિંગ કરતાં હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.