ઐરોલી-મુલુંડ ફ્લાયઓવર પર શનિવાર સુધી રાત્રે વાહનવ્યવહાર બંધ
નવી મુંબઈ: ઐરોલી-કાટઈ પુલના બાંધકામમાં ઐરોલી-મુલુંડ રોડ પર પુલના ગર્ડરને નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સાતમી ઓક્ટોબર સુધી રાતના ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીમાં આ ગર્ડર નાખવાનું કામ હાથ ધરવામાં આવશે. આ દિવસ દરમિયાન રાતના સમયમાં ઐરોલીથી મુંબઈ, થાણે, મુલુંડની દિશા તરફ જનારા ભારે વાહનોને આ માર્ગ પર જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમયમાં ભારે વાહનોનો ટ્રાફિક મહાપે, શિલફાટા, મુંબ્રા માર્ગ તરફ વળાવવામાં આવ્યો છે. ઐરોલી-કટાઈ પુલના કામમાં ઐરોલી-મુલુંડ માર્ગ પર પુલના ગર્ડરનું કામ નિર્વિઘ્નપણે પૂરું થાય તેમ જ વાહનચાલકોને આવવા-જવા માટે સગવડદાયી રહે એ માટે ૭ ઓક્ટોબર સુધી રાતના ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી મુલુંડ, થાણે, મુંબઈ તરફ જતાં ભારે વાહનોને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન ઐરોલી પુલ પરથી મુંબઈ, થાણે તરફ જતા તમામ ભારે વાહનોને મહાપે-શિલફાટા માર્ગથી મુંબ્રા, થાણેના માર્ગ પર નિશ્ર્ચિત કરવામાં આવ્યાં છે.આ ઉપરાંત મુંબઈ, થાણેથી ઐરોલી માર્ગે નવી મુંબઈ તરફ આવતાં વાહનોને વાશી ખાડી પુલ પર અથવા મુંબ્રા બાયપાસ શિલફાટા માર્ગથી નવી મુંબઈના ઈચ્છિત સ્થળે જવા માટે વૈકલ્પિક માર્ગ રાખવામાં આવ્યો છે.