આમચી મુંબઈ

હવાની ગુણવત્તા સુધરી ને રસ્તા ધોવાનું પ્રમાણ ઘટ્યું

૫૦૦ને બદલે ૪૦૦ કિલોમીટરના રસ્તા ધોવાઈ રહ્યા છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં પડેલા વરસાદને કારણે મુંબઈમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો થતા હવાની ગુણવત્તા સુધરી છે. તેનો સીધો ફાયદો મુંબઈ મહાનગરપાલિકાને થયો છે, કારણકે અગાઉ વાયુ પ્રદૂષણને કારણે પાલિકા દરરોજ ૫૦૦ કિલોમીટરના રસ્તાઓને પાણીથી ધોતી હતી, તેમાં ઘટાડો થઈને હવે દરરોજ ૪૦૦ કિલોમીટરના રસ્તાને ધોવામાં આવી રહ્યા છે. શનિવારે જોકે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૩૧ નોંધાયો હતો.

મુંબઈમાં હવામાં રહેલા પ્રદૂષણને પગલે મુખ્ય પ્રધાનના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ત્રીજી નવેમ્બર, ૨૦૨૩થી મુંબઈના રસ્તાઓને પાણીથી ધોવાનું ચાલુ કર્યું હતું. મુંબઈના ૨,૦૫૦ કિલોમીટરના રસ્તાના નેટવર્કમાંથી દરરોજ ૧,૦૦૦ કિલોમીટર રસ્તા ધોવાનો લક્ષ્યાંક મુખ્ય પ્રધાને પાલિકાને આપ્યો છે, જોકે તેની સામે
ભંંડોળના અભાવે અને મર્યાદિત
સંસાધનોને કારણે તેમ જ અન્ય અડચણોને કારણે પાલિકા દ્વારા હાલ માત્ર ૫૦૦ કિલોમીટરના રસ્તાઓને જ પાલિકા પાણીથી ધોવાનું કામ કરી રહી છે.

આ દરમિયાન જોકે ગયા અઠવાડિયામાં અચાનક આવી પડેલા વરસાદને કારણે મુંબઈના પ્રદૂષણમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. ગયા અઠવાડિયે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ખાસ્સો એવો નીચો આવી ગયો હતો. પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે જ પાલિકાએ હાલ જે વોર્ડમાં ધૂળ નથી ત્યાં રસ્તા ધોવાનું તાત્પૂરતા સમય માટે બંધ કરી દીધું છે. તેથી હાલ ફક્ત સૌથી વ્યસ્ત અને નજીક ક્ધસ્ટ્રક્શન સાઈટ હોય તેવા રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

પાલિકા દ્વારા મુંબઈમાં ૬૦ ફૂટથી વધુ પહોળા અને સોથી વ્યસ્ત રસ્તાઓને પાણીથી ધોવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પાલિકા દ્વારા બિનપીવાલાયક અને રિસાયકલ કરેલા પાણી, બોરવેલ અને સ્થાનિક પાણીના સ્ત્રોતનો ઉપયોગ રસ્તાઓને ધોવા માટે કરી રહી છે.

શનિવારે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૩૧ નોંધાયો હતો. આ અગાઉ ૨૭ નવેમ્બરના મુંબઈનો એક્યુઆઈ ૪૭ નોંધાયો હતો, જે આ વર્ષે ચોમાસા પછી પહેલી વખત સારી શ્રેણીમાં રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button