મુંબઈમાં હવા પ્રદૂષણની સમસ્યા : 25 સ્મોગ ગન ખરીદશે નહીં, પણ ભાડે લેવાશે
મુંબઈ: શહેરની હવાની ગુણવત્તા ફરી કથળતા હવામાં રહેલા ધૂળના રજકણોને ઓછા કરવા માટે મુંબઈ મહાપાલિકા દ્વારા સ્મોગ ગન ફોગિંગ યંત્રનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા 25 સ્મોગ ગન ફોગિંગ યંત્રને ભાડા પર લેવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ સ્મોગ ગન યંત્ર પાણીને સ્પ્રે કરી હવામાં રહેલી ધૂળ જમીન પર બેસી જતાં હવાની ગુણવત્તામાં સુધારો થાય છે.
શિયાળો શરૂ થતાં મુંબઈની હવા વધુ પ્રદૂષિત બને છે. આ વર્ષે મુંબઈનું એક્યુઆઇ 300ને પાર થઈ ગયું હતું. શહેરની હવાની ગુણવત્તા ફરી ખરાબ થતાં મહાપાલિકાએ આ મામલે ઉપાય કરવા અંગે નિર્ણય લીધો છે. આ વર્ષના ઓક્ટોબર મહિનામાં 30 મશીન ખરીદવાનો નિર્ણય લીધો હતો. પણ આ મશીનોને વેચાતા લેવા કરતાં 25 મશીનોને ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મુંબઈના હવામાં પ્રદૂષણ વધતાં અનેક નિયમો બનાવવામાં આવ્યા હતા. આ નિયમોમાં શહેરમાં ચાલતા અનેક બાંધકામોને અટકાવવામાં આવ્યા હતા, પણ થોડા સમય પછી આ નિયમોને રદ કરવામાં આવ્યા હતા. આ નિયમો ફરીથી બદલાતા મુંબઈમાં હવાની ગુણવત્તા ફરી ખરાબ થઈ છે, જેથી હવે થાણે મહાપાલિકાની જેમ મુંબઈ મહાપાલિકાએ પણ મશીનોને ભાડે લેવાનું નક્કી કર્યું છે. આ યંત્રોને મહામારી દરમિયાન પણ સેનેટાઈઝેશન કરવામાં માટે વાપરવામાં આવ્યા હતા. હાલમાં મહાપાલિકા પાસે આઠ સ્મોગ ગન ફોગિંગ યંત્ર છે અને આગામી અઠવાડિયામાં વધુ યંત્રોને કાફલામાં સામેલ કરવામાં આવશે એવું એક અધિકારીએ જણાવ્યું હતું.
મહાપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મશીનો પાલિકાને મળતા બેથી અઢી મહિનાનો સમય લાગી જશે. આ મશીનો જે વાહનો પર મૂકવામાં આવે છે તે ડીઝલ વડે ચાલે છે, તેથી આવા વાહનોને વેચાતા લેવા કરતાં ભાડા પર લેવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકા આગામી સમયમાં આ કામ માટે વીજળી પર ચાલતા વાહનો પણ ખરીદી શકે, એવી માહિતી અધિકારીએ આપી હતી.