હવે એર ઇન્ડિયાના કેબિન ક્રૂ સજશે ડિઝાઇનર વાઘા, પ્રથમ ઝલક થઇ જાહેર
મુંબઈ: ખાનગી ક્ષેત્રની એરલાઈન એર ઈન્ડિયાએ મંગળવારે તેના ક્રૂ સભ્યો (કેબિન અને કોકપિટ ક્રૂ) માટે નવા ગણવેશ રજૂ કર્યા છે. આ નવા ગણવેશ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા ગણવેશને આગામી કેટલાક મહિનામાં તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે. તે સૌથી પહેલા દેશની પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સને આપવામાં આવશે.
વીડિયો અનુસાર, એરલાઇનની મહિલા કેબિન ક્રૂ મેમ્બર્સ આધુનિક લુક સાથે ઓમ્બ્રે સાડી પહેરશે, જ્યારે પુરૂષો બંધગલા સૂટ પહેરશે. કોકપિટ ક્રૂ માટે પ્રખ્યાત ડિઝાઇનર મલ્હોત્રાએ ક્લાસિક બ્લેક સૂટ ડિઝાઇન કર્યા છે. એર ઈન્ડિયાનો નવો યુનિફોર્મ આગામી કેટલાક મહિનામાં તબક્કાવાર રજૂ કરવામાં આવશે.
એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, ‘એર ઈન્ડિયાનો ક્રૂ યુનિફોર્મ એવિએશન ઈતિહાસમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ગણવેશમાંનો એક છે અને અમે દૃઢપણે માનીએ છીએ કે મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા નવા ગણવેશો એર ઈન્ડિયાના ભવિષ્યની વાર્તામાં એક રોમાંચક અને નવો અધ્યાય લખશે.’
મનીષ મલ્હોત્રાએ તેમની આ ડિઝાઇન્સ વિશે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને પરંપરાઓના સારને કેપ્ચર કરતા ગણવેશ બનાવવાનો છે અને સાથે સાથે તેને આધુનિક અને અત્યાધુનિક દેખાવ પણ આપવાનો છે. તેમણે કહ્યું હતું કે, “હું સન્માન અનુભવું છું કે મને એર ઈન્ડિયા માટે યુનિફોર્મ ડિઝાઇન કરવાની તક મળી.”