અવકાશ બાદ એરફોર્સ હવે અંતરીક્ષમાં
ભારતીય વાયુદળે સંરક્ષણ મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો
મુંબઇ: ભારતીય વાયુદળ (આઇએએફ) એ હવે અવકાશની સાથે અંતરિક્ષમાં પણ પોતાની તાકાત દેખાડવાનું શરૂ કર્યું છે. આઇએએફ હવે અંતરિક્ષમાં સિવિલ અને સૈન્ય બંને પાસાઓનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે, જેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈદ્ધાંતિક માળખું તૈયાર કરાઇ રહ્યું છે. આઇએએફએ પણ આ નવી યોજના માટે નવું નામ નક્કી કર્યું છે – ‘ઇન્ડિયન એર ઍન્ડ સ્પેસફોેર્સ’. એરફોર્સએ નવા નામનો પ્રસ્તાવ સંરક્ષણ મંત્રાલયને મોકલી દીધો છે. મંત્રાલય તરફથી મંજૂરી મળતા જ એરફોર્સનું નવું નામ અને કામ જાહેર કરવામાં આવશે. ઉપરાંત આઇએએફ પહેલાથી જ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એજન્સીની મદદથી તેની અંતરિક્ષ યોજના તૈયાર કરી ચૂકયા છે. આ યોજનામાં અંતરિક્ષ સૈન્ય શક્તિ સંબંધિત નિયમો અને માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.
ત્રણેય દળોની સંયુક્ત સ્પેસ કમાન્ડ
એરફોર્સ પણ વહીવટી સ્તરે સંયુક્ત સ્પેસ કમાન્ડની રચના કરવા માગે છે, જેમાં સશસ્ત્ર દળના ત્રણેય ભાગોનો હિસ્સો હોય. ઇસરો અને ડીઆરડીઓ જેવી સંસ્થાઓને પણ આ આદેશમાં સામેલ કરવામાં આવશે. તેમાં એરોસ્પેસ સંબંધિત ખાનગી કંપનીઓને સામેલ કરવાનો પ્રસ્તાવ પણ છે.
જવાનોને વિશેષ તાલીમ અપાશે
સ્પેસની જરૂરિયાતો અનુસાર એરફોેર્સએ તેના સૈનિકોની તાલીમ માટે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી છે. આ માટે હૈદરાબાદમાં સ્પેસ વોર ટ્રેનિંગ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રમાં અવકાશના કાયદાની તાલીમ માટે એક અલગ કૉલેજ બનાવવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કાયદાની સારી જાણકારી અને સમજ ધરાવતું વ્યાવસાયિક દળ તૈયાર કરવામાં આવશે.
વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ, સ્પેસમાં લશ્કરી ઉપયોગ પર પ્રતિબંધ છે. સ્પેસ લો કૉલેજમાં એરફોર્સના જવાનોને આ નિયમોનું પાલન કરીને અંતરિક્ષનો વધુ સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે શીખવવામાં આવશે.
આઇએએફની સેટેલાઇટ ફલીટ ૩૧ ઉપગ્રહ લોન્ચ કરશે
સ્પેસ ફોર્સ બનાવવા માટે આઇએએફએ પણ સ્પેસ સેટેલાઇટનો મોટો કાફલો તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ આઇએએફ માટે ૩૧ ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવશે. આનો ઉપયોગ સંદેશાવ્યવહાર, હવામાનની આગાહી, નેવિગેશન, રિયલ ટાઈમ સર્વેલન્સ જેવી કામગીરી માટે કરવામાં આવશે.