ઓવૈસી અને મહાવિકાસ આઘાડીનું ‘હમ સાથ સાથ હૈ’ થશે? મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતા
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતે સત્તા હાથમાં લેવા માટે બધા જ પ્રયાસો કરી રહી છે. જોકે, આવામાં મહાવિકાસ આઘાડી સમક્ષ એઆઇએમઆઇએમ(ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન)ના અધ્યક્ષ તેમ જ સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન માટે પ્રસ્તાવ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એઆઇએમઆઇએમ દ્વારા મહાવિકાસ આઘાડીને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી તેનો કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. જોકે, મહાયુતિને સત્તા બહાર કરવા માટે મહાવિકાસ આઘાડી તત્પર છે ત્યારે આ વિધાનસભાની ચૂંટણી પહેલા એઆઇએમઆઇએમના પ્રસ્તાવ વિશે આ વખતે ગંભીરપણે વિચારણા થઇ શકે, તેવી ચર્ચા છે.
આ પણ વાંચો : Eknath Shinde સરકારની મંત્રીની કારનો થયો ભયંકર અકસ્માત
આ વિશે માહિતી આપતા એઆઇએમઆઇએમના નેતા ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે 10 સપ્ટેમ્બરના રોજ અમે શરદ પવારના પીએ, નાના પટોળે, અમિત દેશમુખને પ્રસ્તાવ મોકલાવ્યો હતો. જો ભાજપને હટાવવો હોય તો આપણે બધાએ એકસાથે આવવું પડશે. જો એ પ્રસ્તાવ માની લે તો અમે ચર્ચા કરીને બેઠકોની વહેંચણી નક્કી કરીશું અને અમારી યાદી પણ તૈયાર છે. અમે પાંચ બેઠકોની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. અમે થોડા ફેરફાર કરવા માટે પણ તૈયારી છીએ. રાજ્યમાં અમને મહાયુતિની સરકાર નથી જોઇતી એટલા માટે અમે કોઇપણ બાંધછોડ કરવા માટે તૈયારી છીએ.
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બહુમતિ ધરાવતી બેઠકો પર મહાવિકાસ આઘાડી મુસ્લ્મિ ઉમેદવાર ઊભો કરે તો એઆઇએમઆઇએમ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના મતો વહેંચાઇ જાય અને તેનો ફાયદો મહાયુતિને થશે. જેને પગલે જોડાણનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હોવાનું જલીલે જણાવ્યું હતું. અમે કોઇ કબૂતર મારફત પ્રસ્તાવ નથી મોકલાવ્યો. અમે તેમના પીએ, પાસે અને ઇમેઇલ દ્વારા પ્રસ્તાવ મોકલાવ્યો છે, એમ જલીલે જણાવ્યું હતું.