સુધરાઈની હૉસ્પિટલોની સલામતી માટે AI ટેક્નો ઉપયોગ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના સુરક્ષા દળના ૫૯મા સ્થાપના દિન નિમિત્તે શનિવારે ભાંડુપ કૉમ્પ્લેક્સમાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન પાલિકા પ્રશાસને દાવો કર્યો હતો કે પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં હવે સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિન્જન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા માટે પાલિકાના મિકેનિકલ ઍન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ મારફત આર્ટિફિશિયલ ઈન્ટેલિન્જન્સ ટેક્નોલોજીની મદદ લેવામાં આવવાની છે, જેમાં કે.ઈ.એમ., સાયન, નાયર, જોગેશ્ર્વરીની ટ્રોમા હૉસ્પિટલ અને કૂપર આ ચાર મહત્ત્વની હૉસ્પિટલમાં કેમેરા બેસાડવામાં આવવાના છે. તેમ જ મેટરનિટી સહિત ઉપનગરમાં ઓલી હૉસ્પિટલોમાં પણ આ કેમેરા બેસાડવામાં આવશે.
Also read: એઆઈ ટુલ્સ: આઈએ આપકા ઇન્તજાર થા…
હૉસ્પિટલોમાં અનેક વખત દર્દીના સગાસંબંધીઓ દ્વારા ડૉકટરોની મારપીટ કરવામાં આવતી હોય છે અને હૉસ્પિટલને નુકસાન પણ પહોંચાડવામાં આવતું હોય છે. હવે મેટરનિટી હોમ અને હૉસ્પિટલમાં કેમેરા બેસાડવાથી અહીં આવતા-જતા તમામ વ્યક્તિઓના ચહેરા ઓળખ સંબંધિતોની માહિતી તેમ જ પરિસરમાં આવતા તમામ વાહનોની નોંધ કરીને તેની માહિતી રાખવી શક્ય બનશે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હૉસ્પિટલ બાદ આગામી તબક્કામાં પાલિકાની વોર્ડ ઓફિસ અને પાલિકાના નાટ્યગૃહ, સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પર પણ આ પ્રકારના કેમેરા બેસાડવામાં આવશે.