અહો આશ્ચર્યમઃ ઘરેથી ગાયબ મહિલાને ૩૦ વર્ષે પરિવાર મળ્યો, જાણો શું છે મામલો?
અહેમદનગરઃ કુંભમેળામાં ખોવાયેલા પરિવારજનો વર્ષો પછી એકબીજાને મળે એવું જ કંઈક મહારાષ્ટ્રમાં બન્યું છે. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાંથી ૩૦ વર્ષ પહેલાં પોતાના ઘરેથી ગુમ થયેલી ૮૦ વર્ષીય મહિલાનું થાણે મેન્ટલ હોસ્પિટલના સ્ટાફના પ્રયાસોથી તેના પરિવાર સાથે ફરી મિલન કરવામાં આવ્યું હતું. મળતા રિપોર્ટ અનુસાર ત્રણ દાયકા પહેલા મહિલાના ૧૩ વર્ષના પુત્રનું આમલીના ઝાડ પર ચડ્યા બાદ ઈલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ થયું હતું.
મહિલા આ આઘાત સહન કરી શકી નહોતી અને તેની માનસિક હાલત બગડી ગઈ હતી. ત્યારથી મહિલા તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. મહિલા નાશિક પહોંચી ગઈ હતી, જ્યાં તે વર્ષો સુધી પંચવટી વિસ્તારમાં ભટકતી રહી. બે વર્ષ પહેલા તે શારીરિક અને માનસિક રીતે કથળેલી હાલતમાં નાશિક પોલીસને મળી હતી.
આ પણ વાંચો: Mahakumbh 2025: કુંભમાં ખોવાયેલા લોકોને AI શોધી કાઢશે, આ નંબર નોંધી લો!
એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે મહિલા બધું જ ભૂલી ગઈ છે, ત્યારે તેઓએ તેને સારવાર માટે થાણે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેની સારી રીતે સારવાર કરી હતી. જ્યારે તેની તબિયતમાં સુધારો જણાયો ત્યારે, તેની ઓળખ મેળવવા અને તેના પરિવારને શોધવાનું કામ શરૂ કર્યું હતું.
મહિલાની સારવાર કરનાર ડૉ. મુલિકે કહ્યું કે આ કામ ખુબ મુશ્કેલ હતું, કારણ કે મહિલાને ભૂતકાળની કોઈ વાત યાદ નહોતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે ધીમે ધીમે તેના ગામ વિશે માહિતી એકઠી કરી હતી. પછી અહીંથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર અહમદનગરમાં પોલીસનો સંપર્ક કર્યો અને ત્યાં તેના સંબંધીઓની ભાળ મળી હતી.
આ પણ વાંચો: ભીડમાં ખોવાયેલા એ ચહેરા
માહિતી મળ્યા પછી, મહિલાની પુત્રવધૂ, પિતરાઈ ભાઈ અને ભત્રીજો ૧૭ જાન્યુઆરીએ હોસ્પિટલમાં આવ્યા અને ૩૦ વર્ષમાં પ્રથમ વખત તેને મળ્યા. આટલા વર્ષો પછી પરિવારને મળ્યા બાદ મહિલા ભાવુક થઈ ગઈ હતી. પરિવારના સભ્યો પણ ભાવુક થઈ ગયા હતા.
પરિવારના એક સભ્યએ મેડિકલ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. પરિવાર મહિલાને પરત અહેમદનગર લઈ ગયો છે. ડૉ. મલિકે કહ્યું કે પરિવારને ફરી એકસાથે જોવો એ જ અમારા માટે સૌથી મોટું ઈનામ છે.