નેવીનગરમાંથી રાઇફલ અને 40 બૂલેટ્સ ચોરીને ફરાર થયેલા અગ્નિવીર, તેના ભાઇની તેલંગણાથી ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નેવીનગરમાંથી રાઇફલ અને 40 બૂલેટ્સ ચોરીને ફરાર થયેલા અગ્નિવીર, તેના ભાઇની તેલંગણાથી ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કોલાબાના હાઇ-સિક્યુરિટીવાળા નેવીનગરમાં નાવિકની રાઇફલ તેમ જ 40 બૂલેટ્સ સાથેની બે મેગેઝિન ચોરી ફરાર થયેલા અગ્નિવીર અને તેના મોટા ભાઇને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તેલંગણાથી મંગળવારે રાતના ઝડપી પાડ્યા હતા. નેવીનો યુનિફોર્મ પહેરીને નેવીનગરમાં પ્રવેશ્યા બાદ ચોરેલા શસ્ત્રો બેગમાં ભરી અગ્નિવીરે દીવાલની બીજી બાજુ ઊભેલા તેના ભાઇ પાસે ફેંકી દીધાં હતાં અને ફરાર થતા પહેલાં તેણે થોડો સમય ત્યાં વિતાવ્યો હતો.

ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટે (સીઆઇયુ) તેલંગણાના આસિફાબાદથી પકડી પાડેલા બંને ભાઇની ઓળખ રાકેશ રમેશ ડુબુલા (22) અને ઉમેશ રમેશ ડુબુલા (25) તરીકે થઇ હતી. તેમની પાસેથી રાઇફલ અને 40 બૂલેટ્સ જપ્ત કરવામાં આવી હતી. રાકેશ ડુબુલા નેવીમાં અગ્નિવીર (નાવિક) છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

નેવીનો યુનિફોર્મ પહેરી આવેલો શખ્સ અગ્નિવીર પાસેથી રાયફલ લઈ ફરારઃ ATS હાઈએલર્ટ

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર રાકેશ ડુબુલા 6 સપ્ટેમ્બરે નેવીનો યુનિફોર્મ પહેરી નેવીનગરમાં પ્રવેશ્યો હતો અને ત્યાં રડાર પ્રોટેક્ટર ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા જુનિયર નાવિક પાસે પહોંચ્યો હતો અને તેને જણાવ્યું હતું કે હું તને રિલીવ કરવા આવ્યો છું. તેણે નાવિકને રાઇફલ અને ત્રણ મેગેઝિન સોંપવા કહ્યું હતું. નાવિકને દેખીતી રીતે કોઇ શંકા ગઇ નહોતી. આથી રાઇફલ અને મેગેઝિન તેને સોંપી નાવિક હોસ્ટેલમાં જતો રહ્યો હતો.

રાકેશે થોડા સમય બાદ રાઇફલ અને મેગેઝિન બેગમાં મૂકી દીધાં હતાં અને દીવાલની બીજી બાજુ ઊભેલા તેના ભાઇ ઉમેશ પાસે બેગ ફેંકી દીધી હતી. બંને ભાઇ બાદમાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા. તેઓ લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેલંગણા જવા માટે ટ્રેન પકડી હતી.

બીજી તરફ હોસ્ટેલમાં ગયેલા નાવિકને કલાકમાં યાદ આવ્યું હતું કે તે પોતાની ઘડિયાળ ભૂલી ગયો છે. આથી તે આથી તે ઘડિયાળ લેવા પાછો આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તેને રિલીવ કરનારો અધિકારી શસ્ત્રો સાથે ગાયબ છે. નાવિકે આસપાસના વિસ્તારોમાં તેની શોધ ચલાવી હતી, પણ તેનો કોઇ પત્તો ન લાગતાં આખરે તેણે પોતાના ઉપરી અધિકારીૌઓને જાણ કર્યા બાદ કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

દરમિયાન સીઆઇયુના અધિકારીઓએ અનેક સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને તેને આધારે તેમણે આરોપીઓનું પગેરું આસિફાબાદમાં હોવાનું શોધી કાઢ્યું હતું. બાદમાં ટીમ ત્યાં જવા રવાના થઇ હતી અને બંને આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રાકેશ બારમું ધોરણ પાસ છે. તે નેવલ ક્ષેત્રોમાં કામ કરી ચૂક્યો હતો, જેથી આવા વિસ્તારોમાં સલામતી કેવી હોય છે તે સારી રીતે જાણતો હતો. તેના ભાઇ ઉમેશે અધવચ્ચેથી શાળા છોડી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

બંનેની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસની ટીમ તેમને મુંબઈ લાવવા માટે નીકળી હતી. તેમણે આવું શા માટે કર્યું અને તેમનો ચોક્કસ હેતુ શું હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે. તેમની પાસેથી રાઇફલ અને બૂલેટ્સ જપ્ત કરવામાં આવી છે.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button