આમચી મુંબઈ

પોલીસ કાર્યવાહી પછી આર્થિક સ્થિતિ નબળી થતાં મોરિસના મનમાં અભિષેક માટે ઝેર ઘોળાયું

મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડને ત્રણ દિવસની કસ્ટડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી-દહિસર પરિસરમાં સમાજસેવક તરીકે નામના મેળવ્યા પછી રાજકારણમાં ઝંપલાવવાની ઇચ્છા ધરાવતા મોરિસ નોરોન્હાની આર્થિક સ્થિતિ પોલીસ કાર્યવાહી પછી નબળી પડવા માંડી હતી, જેને કારણે તેના મનમાં ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર માટે વધુ ઝેર ઘોળાયું હતું. જેલમાં અને જેલબહાર આવ્યા પછી તે અભિષેક સામે વેર વાળવાની વારંવાર વાત કર્યા કરતો હતો, એવું પોલીસ સૂત્રોનું કહેવું છે.

બોરીવલીની આઈસી કૉલોની સ્થિત મોરિસ નોરોન્હાની ઑફિસમાં ગુરુવારની રાતે ગોળી મારી ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક (૪૦)ની હત્યા કરવામાં આવી હતી. અભિષેક પર ગોળીબાર કર્યા પછી મોરિસે પોતાને પણ ગોળી મારી કથિત આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે મોરિસના બૉડીગાર્ડ અમરેન્દ્ર અશોકકુમરા મિશ્રા (૪૪)ની શુક્રવારે ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૧૩ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. કોર્ટ કમ્પાઉન્ડમાં મિશ્રા પોતાને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનું રટણ કરતો હતો.

મિશ્રાના વકીલે દાવો કર્યો હતો કે હાઈ પ્રોફાઈલ કેસને કારણે ગરીબ બૉડીગાર્ડને આ કેસમાં સંડોવી તેની ધરપકડ કરવામાં આવી છે. પોતાની પાસેની લાઈસન્સવાળી પિસ્તોલ મુંબઈ પોલીસ પાસે રજિસ્ટર્ડ ન કરાવવા પૂરતી તેની ભૂમિકા હોવા છતાં પોલીસે રિમાન્ડ દરમિયાન તેની સામે હત્યાની કલમ ઉમેરી હતી, જે કોઈ પણ રીતે મિશ્રાના મામલામાં લાગુ પડતી નથી. ગોળીબાર વખતે તે ઘટનાસ્થળે હાજર પણ નહોતો. વળી, મિશ્રા આ પ્લાનિંગમાં સંડોવાયેલા હોવાનું પુરવાર કરતા કોઈ દસ્તાવેજ પોલીસ પાસે નથી.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૨થી ઘોસાળકર અને મોરિસ વચ્ચે ખટરાગ વધી ગયો હતો. અભિષેકની પત્નીની બદનામી કરવા બીભત્સ ભાષાનો ઉપયોગ કરીને તેણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોની લિંક તે અનેક જણને મોકલતો હતો. આ બાબતે અભિષેકની પત્નીએ મોરિસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

એ સિવાય ગર્લફ્રેન્ડ સાથે દુષ્કર્મ અને છેતરપિંડીના કેસમાં ધરપકડ થયા પછી ત્રણેક મહિના મોરિસે જેલમાં રહેવું પડ્યું હતું. પોલીસની આ કાર્યવાહી પછી તેની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગી હતી. આવકના સ્રોત ખૂટી જતાં તેણે મિત્રો તેમ જ વેપારીઓ પાસેથી કરજ પણ લેવા માંડ્યું હતું. માથે દેવું વધી ગયું હોવાથી તે હતાશ થવાની સાથે અભિષેક પર વધુ ગિન્નાયો હતો. પોતાની આવી દશા માટે તે અભિષેકને જવાબદાર ગણતો હતો, એવું સૂત્રોનું કહેવું છે.

પિસ્તોલના ઉપયોગની જાણકારી મોરિસે બૉડીગાર્ડ પાસેથી મેળવેલી
ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર પર ગોળીબાર કરવા પહેલાં મોરિસ નોરોન્હાએ તેના બૉડીગાર્ડ પાસેથી પિસ્તોલનો ઉપયોગ કઈ રીતે કરવો તેની જાણકારી મેળવી લીધી હતી. અભિષેકની હત્યા પહેલાં મોરિસે કોઈ સ્થળે ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી કે કેમ તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. મોરિસના બૉડીગાર્ડ મિશ્રાની પોલીસ કસ્ટડી મેળવી ક્રાઈમ બ્રાન્ચ કેટલાક મહત્ત્વને મુદ્દે તેની પૂછપરછ કરવા માગે છે. મિશ્રાએ ઉત્તર પ્રદેશમાંથી પિસ્તોલનું લાઈસન્સ મેળવ્યું હતું. લાઈસન્સ અનુસાર તેને ૧૦૦ બૂલેટ્સ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. બોરીવલીના ગોળીબારમાં ઉપયોગ કરાયેલી બૂલેટ્સ અને ઑફિસમાંથી મળી આવેલી બૂલેટ્સ સિવાય મિશ્રા પાસે હજુ કેટલી બૂલેટ્સ હતી તેની તપાસ પોલીસ કરી રહી છે.

મિશ્રાની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પિસ્તોલનું લૉક કઈ રીતે ખોલવું, તેમાં બૂલેટ્સ કઈ રીતે ભરવી, પિસ્તોલ કઈ રીતે ચલાવવી જેવી અનેક બાબતો મોરિસે મિશ્રા પાસેથી શીખી હતી. મિશ્રાને તેની પિસ્તોલ અને બૂલેટ્સ મોરિસે તેની ઑફિસમાં જ રાખવાની સૂચના આપી હતી. નોકરી કરતો હોવાથી મિશ્રા મોરિસની સૂચનાને અનુસરી પિસ્તોલ-કારતૂસો ઑફિસના માળિયા પર આવેલા લૉકરમાં રાખતો હતો.

પોલીસને શંકા છે કે જંગલ પરિસર અથવા ડુંગરાળ વિસ્તારમાં મોરિસે ફાયરિંગની પ્રેક્ટિસ કરી હશે. આ માટે મિશ્રાની જ પિસ્તોલ અને બૂલેટ્સનો ઉપયોગ કરાયો હશે. આ બાબતે પોલીસ મિશ્રાની પૂછપરછ કરવા માગે છે.

કહેવાય છે કે અભિષેકની હત્યા માટે પિસ્તોલ-રિવોલ્વરનો ઉપયોગ કરવાની યોજના મોરિસે બનાવી હતી. આ માટે ગેરકાયદે શસ્ત્રો ખરીદવા જતાં પકડાઈ જવાનો ભય હોવાથી મોરિસે શસ્ત્રનું લાઈસન્સ ધરાવતી વ્યક્તિને બૉડીગાર્ડ તરીકે નોકરીએ રાખવાનું નક્કી કર્યું હતું. પરિણામે તેણે મિશ્રાને મહિને ૪૦ હજારના પગાર પર નોકરીએ રાખ્યો હતો.

સીસીટીવી કૅમેરાના ડીવીઆરની તપાસ
ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોરિસની ઑફિસમાંથી પિસ્તોલની વધુ આઠ બૂલેટ્સ મળી આવી હતી. એ સિવાય પાંચ મોબાઈલ ફોન અને સીસીટીવી કૅમેરાનું ડીવીઆર તાબામાં લેવાયું હતું. ઑફિસની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ આ ડીવીઆરમાંથી મેળવી પોલીસ તેની ચકાસણી કરીને ઘટનાને દિવસે ખરેખર શું બન્યું હતું તેની જાણકારી મેળવશે. ઘટનાસ્થળેથી લોહીનાં કેટલાંક સૅમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં, જે તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી દેવાયાં હતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button