ઘોસાળકરની હત્યા પછી નેતાઓના શાબ્દિક યુદ્ધે હદ વટાવી, જાણો 'નેતાવાણી'? | મુંબઈ સમાચાર

ઘોસાળકરની હત્યા પછી નેતાઓના શાબ્દિક યુદ્ધે હદ વટાવી, જાણો ‘નેતાવાણી’?

મુંબઈ: ફેસબુક લાઈવ પર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના નગરસેવક અભિષેક ઘોસાળકરની ગોળીમારીને હત્યા કરીને આરોપી મૌરિસ નોરોન્હાએ પણ આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. વધતી ફાયરિંગને લઈ બંને પક્ષે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, જેમાં યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે.

આ મુદ્દે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રને એક મનોરોગી ગૃહ પ્રધાન મળ્યા છે. તેમણે ફડણવીસને નિર્દયી અને હૃદયહિન ગૃહ પ્રધાન કહ્યું હતું. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનનો વળતો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનું માનસિક સંતુલન બગડ્યું છે. ઠાકરે ઝડપથી સાજા થઈ જાય એવી શુભેચ્છા પણ આપી હતી. જોકે, આ પહેલા પણ ઘોસાળકરની હત્યાને લઈને રાઉત અને ફડણવીસ વચ્ચે ‘કૂતરા’ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હતો.

એના અગાઉ ફડણવીસનું રાજીનામું માગવામાં આવ્યું ત્યારે ગૃહ પ્રધાને કહ્યું હતું કે રાજ્યમાં જો કોઈ શ્વાન મરી જાય તો જવાબદાર ગૃહ પ્રધાનને માનવામાં આવે છે, ત્યારબાદ તેનો જવાબ આપતા ઠાકરેએ કહ્યું હતું કે માનસિક રીતે બીમાર ગૃહ પ્રધાન છે. મેં પહેલા મેદસ્વી અને બેકાર કહ્યા હતા, પરંતુ હવે મારી પાસે કોઈ શબ્દ નથી.

ઘોસાળકરની હત્યા પછી ફડણવીસના માનસિક બીમારીની તપાસ કરવી જોઈએ. જોકે, ઠાકરેના આ નિવેદન પર ફડણવીસે કહ્યું હતું ઉદ્ધવ ઠાકરે તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. હું માત્ર એટલું કહીશ કે તેઓ જલ્દીથી સાજા થઈ જાય.

આ પ્રકરણને લઈને યુબીટીના સાંસદ રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખીને સરકારની આકરી ટીકા કરી હતી, જેમાં મહારાષ્ટ્રના લોકોની જિંદગી, રાજ્ય સરકારની હાલત અંગે ચોંકાવનારી ટવિટ કરી હતી. દરમિયાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનને લઈ મુંબઈ ભાજપના કાર્યકરોએ પણ મુંબઈ પોલીસને લોકહિતમાં નિર્ણય લેવાનો અનુરોધ કર્યો છે.

Back to top button