વડાલામાં મહિલાની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી સળગાવવાનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડાલામાં બૉમ્બ પોર્ટ ટ્રસ્ટ (બીપીટી) પરિસરમાં મહિલાનો અર્ધબળેલો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. માથા પર વજનદાર વસ્તુ ફટકારી મહિલાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા. મૃતદેહના ટુકડાને ગૂણીમાં ભરી બીપીટી પરિસરમાં સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાનું પોલીસનું કહેવું છે. વડાલા પોલીસના જણાવ્યા મુજબ બીપીટી પરિસરમાં ચિંદી ગલ્લી સ્થિત નિર્જન સ્થળેથી ગુરુવારે મોડી સાંજે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અર્ધબળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ પર હાજર પોલીસને મહિલાના મૃતદેહની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલાનો અર્ધબળેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેના હાથ-પગ કાપેલી સ્થિતિમાં હોવાનું જણાયું હતું. પાસે અર્ધબળેલી ગૂણી પણ હતી. પોલીસને શંકા છે કે અન્ય કોઈ સ્થળે મહિલાની હત્યા કરવામાં આવ્યા પછી પુરાવાનો નાશ કરવા મૃતદેહને વડાલામાં સળગાવવાનો પ્રયત્ન કરાયો હતો.
મહિલાના મૃતદેહ પરથી તેણે પહેરેલા સોનાના દાગીના પણ મળી આવ્યા હતા. પરિણામે લૂંટને ઇરાદે હત્યા કરાઈ હોવાનું જણાતું નથી. પોલીસે મહિલાની ઓળખ મેળવવા સોશિયલ મીડિયાની મદદ લીધી હતી. મુંબઈનાં પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ગુમ મહિલાની ફરિયાદોની પણ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસની તપાસમાં લાગી છે. આરોપીઓના સગડ મેળવવા માટે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે.