કુણબી સમાજ બાદ હવે તેલી સમાજ આક્રમક: રસ્તા પર ઉતરવાની ચિમકી
મુંબઈ: મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં સૂસૂત્રતા લાવવાના ઓઠાં હેઠળ મરાઠા સમાજનું ઓબીસીકરણ થવું જોઈએ નહીં. મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવશે તો તેના વિરોધમાં તેલી સમાજ રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન કરશે, એમ તેલી સમાજ મહાસંઘે મંગળવારે ચંદ્રપુરમાં કહ્યું હતું.
ઓબીસી વર્ગમાં કુણબી જાતી સહિત તેલી અને અન્ય જાતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. કુણબીની સાથે તેલી સમાજ પર આ અન્યાય થશે. તેલી સમાજ આનો વિરોધ કરશે.
પોલીસ દ્વારા મરાઠા આંદોલનકારીઓ પર કરવામાં આવેલી લાઠીચાર્જની વિદર્ભ તેલી સમાજ મહાસંઘે ટીકા કરી હતી. 1993થી મરાઠા સમાજ આરક્ષણની માગણી કરી રહ્યો છે, પરંતુ પછાત વર્ગના માપદંડમાં તેઓ બેસતા ન હોવાથી ન્યાયમૂર્તિ ખત્રી અને ન્યાયમૂર્તિ બાપટની સમિતિએ તેમને આરક્ષણ નકારી કાઢ્યું હતું.
નારાયણ રાણે સમિતિનો 2012નો અહેવાલ ગેરકાનૂની હોવાથી હાઈ કોર્ટે તેને સ્થગિતી આપી છે. ન્યાયમૂર્તિ ગાયકવાડ પંચે મરાઠા સમાજને 12 ટકા શિક્ષણમાં અને 13 ટકા નોકરીમાં આપવાની ભલામણ કરી હતી.
મરાઠા સમાજ સામાજિક કે શૈક્ષણિક દૃષ્ટિએ પછાત ન હોવાનું સિદ્ધ થયું છે. આમ છતાં સરકાર આંદોલનના દબાણ હેઠળ મરાઠાને કુણબી જાતીના દાખલા આપીને ઓબીસીમાંથી આરક્ષણ આપવાનો પ્રયાસ કરશે તો ઓબીસી પર અન્યાય થશે. કોઈપણ સ્થિતિમાં મરાઠાનું ઓબીસીકરણ કરશો નહીં, એમ તેમણે કહ્યું હતું.