ચૂંટણી પંચની નોટિસ પછી ઉદ્ધવ ઠાકરે જૂથે કરી મોટી ભલામણ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર માટેના ગીતમાં ભવાની માતા અને હિંદુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તેની વિરુદ્ધ ચૂંટણી પંચ દ્વારા વાંધો ઉઠાવી નોટિસ મોકલવામાં આવી હતી, ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ આ મામલે કોઇ બાંધછોડ નહીં કરવામાં આવે તેમ કહી પ્રચાર ગીતમાંથી આ શબ્દો હટાવવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, હવે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ચૂંટણી પંચને પોતે આપેલી નોટિસ બાબતે ફેરવિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે. આ બાબતે મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે જે બાબતે વાંધો ઉઠાવ્યો છે તે નિયમ મુજબ યોગ્ય છે, છતાં અમે ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવેલી અરજી બાબતે નિર્ણય લઇશું.
ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રચાર ગીત ઉપરાંત અન્ય 39 મામલે પણ ચૂંટણી પંચે વાંધો ઉઠાવીને નોટિસ ફટકારી હોવાની માહિતી અતિરિક્ત મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.કિરણ કુલકર્ણીએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આદર્શ આચારસંહિતાના નિયમો અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મ કે પછી ઇશ્ર્વરનો ઉલ્લેખ કરવાનું નિયમની વિરુદ્ધ છે. આ નિયમને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથની શિવસેનાના પ્રચાર ગીતમાં ઉપયોગમાં લેવાયેલા ભવાની અને હિંદુ આ બે શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ઉદ્ધવે સવાલ કર્યો હતો કે ભાજપ ખુલ્લેઆમ રામ ભગવાનના નામે મત માગી રહી છે તો તેમની સામે ચૂંટણી પંચ શા માટે કોઇ વાંધો નથી ઉઠાવતી.
જોકે, હવે ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચને આ બે શબ્દના ઉપયોગ બાબતે પોતાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની ભલામણ કરતી અરજી કરી છે, જે અંગે ચૂંટણી પંચ ટૂંક સમયમાં નિર્ણય લેશે.