કોર્ટની શરતી મંજૂરી પછી હિંદુ જનઆક્રોશ મોરચાનું થયું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
મુંબઈ: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પૂર્વે મુંબઈ નજીક મીરા રોડમાં બે સમુદાયના લોકો વચ્ચે હિંસા ફેલાઈ હતી, ત્યારબાદ દેશ આખામાં મીરા રોડ જાણીતું બન્યું હતું. જોકે, તાજેતરમાં કોર્ટની શરતી મંજૂરી પછી હિંદુ જનઆક્રોશ મોરચાનું આયોજન થયું હતું, જેમાં હજારો લોકોએ રેલીમાં ભાગ લીધો હતો.
પોતાના આક્રમક મિજાજ માટે જાણીતા તેલંગણાના ભાજપના ફાયરબ્રાન્ડ વિધાનસભ્ય ઠાકુર રાજા સિંહ મીરા રોડમાં હિંદુ જનઆક્રોશ મોરચામાં સામેલ થયા હતા. બોમ્બે હાઇ કોર્ટે રાજા સિંહને રેલી યોજવાની શરતી મંજૂરી આપવાનો આદેશ આપ્યો ત્યારબાદ મીરા-રોડ અને કાશીમીરા પોલીસે મોરચાને મંજૂરી આપી હતી.
આ મોરચામાં હજારોની સંખ્યામાં હિંદુ કાર્યકર્તાઓ સામેલ થયા હતા અને ભગવા રંગના ઝંડા તેમ જ ભગવા ખેસ અને કપડા પહેરીને લોકોએ તેમાં ભાગ લીધો હતો. આ રેલીમાં શ્રી રામ ભગવાનનો ઝંડા લઇને સેંકડોની સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. આ મોરચાનો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં હજારોની સંખ્યામાં ભગવા રંગનો દરિયો જાણે વહેતો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
મીરા-ભાયંદરના વિધાનસભ્ય દ્વારા યોજવામાં આવેલા આ મોરચાની શરૂઆત કાશીમીરામાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિને ફૂલમાળા પહેરાવીને કરવામાં આવી હતી અને એસજી ગાર્ડન સુધી આ મોરચો લઇ જવામાં આવ્યો હતો. મોરચો પત્યા બાદ રાજા સિંહે કાર્યકરોને સંબોધ્યા હતા અને એ દરમિયાન રાજા સિંહે ઓવૈસી ભાઇઓ પર પણ નિશાન તાક્યું હતું.
તેમણે કહ્યું હતું કે ઓવૈસી(એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી)ના ભાઇ પંદર મિનિટવાળું ભાષણ આપે છે તો પછી મારે પણ પાંચ મિનિટવાળું ભાષણ આપવું પડે છે. જે કોઇ જે ભાષા સમજતું હોય તેમને તે ભાષામાં સમજાવું છું.
અમુક લોકો મહારાષ્ટ્રનો માહોલ ખરાબ કરી રહ્યા છે. હિંદુ યાત્રાઓ ઉપર પથ્થરમારો કરી રહ્યા છે, પણ તેમને કોઇ કંઇ નથી કહેતું. દેશમાં લવ જિહાદ અને લેન્ડ જિહાદ નહીં ચાલે. હવે હિંદુ જાગી ગયા છે. હવે હિંદુ ચૂપ નહીં બેસે.