આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં બહેન અને દીકરી બાદ હવે સિનિયર સિટિઝન્સ માટે યોજના

વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવાની સરકારની ફરજ: એકનાથ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાડકી બહેન અને પ્યારી દિકરી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી અને તેને સારો પ્રતિસાદ મળતાં પ્રોત્સાહિત થયેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવે સિનિયર સિટિઝન્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

વરિષ્ઠ નાગરિકોની સંભાળ લેવી એ સરકારની ફરજ છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી વર્ષોમાં વરિષ્ઠ નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ માટે ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ વરિષ્ઠ નાગરિક કલ્યાણ મંડળની સ્થાપનાની જાહેરાત કરી હતી અને વરિષ્ઠ નાગરિકો માટેની તમામ યોજનાઓ આ નિગમ દ્વારા અમલમાં મુકવામાં આવશે એવી માહિતી આપી હતી.

આ પણ વાંચો: આર્મીના ભૂતપૂર્વ સૈનિકોના ઉદ્ધાર માટે એકનાથ શિંદે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

મુંબઈમાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે આયોજિત વરિષ્ઠ નાગરિકોની નીતિ અંગેની બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2047 સુધીમાં ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. વરિષ્ઠ નાગરિકો માટે સુવિધાઓની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારી કરવી જરૂરી છે. હાલમાં સરકારે વરિષ્ઠ નાગરિકો માટે વયોશ્રી યોજના શરૂ કરી છે અને તેનો લાભ સીધો ડીબીટીના માધ્યમથી આપવામાં આવી રહ્યો છે. આ સાથે એસટીની મુસાફરીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં દરેક નગરપાલિકા વિસ્તારમાં સિનિયર સિટિઝન્સ માટે મનોરંજન કેન્દ્રો બનાવવામાં આવશે. આ કેન્દ્ર દ્વારા વરિષ્ઠ નાગરિકોને ડિમેન્શિયા, અલ્ઝાઈમર રોગ માટે પણ મદદ પૂરી પાડવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં વરિષ્ઠ નાગરિકોને આવશ્યક ઈન્ફલ્યુએન્ઝા અને ન્યુમોનિયાના રસીકરણ માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવો જોઈએ. તે પછી આ રસીઓ બાળાસાહેબ ઠાકરે દવાખાનાના માધ્યમથી રાજ્યભરમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ખેડૂતોને રાહત આપવા માટે એકનાથ શિંદે સરકાર આ કામ કરશે

એકનાથ શિંદેએ વરિષ્ઠ નાગરિકોના ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા હોસ્પિટલ ઓન વ્હીલ્સ કોન્સેપ્ટને ટૂંક સમયમાં અમલમાં મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને રેલ મુસાફરી પર વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટ ફરી શરૂ કરવા અને વ્હીલચેર અને અન્ય આવશ્યક સામગ્રીઓ અને તબીબી બિલો પર જીએસટી ઘટાડવા વિનંતી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button