કાંદા પછી હવે લસણના ભાવમાં વધારો, જાણી લેજો ક્યાં પહોંચ્યા ભાવ?
મુંબઈ: દેશમાં થોડા મહિના પહેલા ટામેટાં અને કાંદાના ભાવ આસમાને પહોંચ્યા હતા, તેનાથી આમ આદમી જ નહીં, સરકાર ચિંતામાં મૂકાઈ હતી. જોકે, હવે લસણના ભાવમાં વધારો થતો લસણના ટેસ્ટથી વંચિત રહેવું પડે અથવા વધુ ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે. સ્થાનિક માર્કેટમાં લસણના ભાવ ૩૦૦થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે.
હવામાનને કારણે લસણના પાક પર અસર થતાં માંગણીમાં વધારાને લીધે વેપારીઓ દેશના ગુજરાત, એમપી, રાજસ્થાનથી લસણ મગાવી રહ્યા છે. રાજ્યમાં લસણના ઓછા પુરવઠાને લીધે ગયા અઠવાડીયાથી લસણના ભાવમાં બે ગણો વધારો થયો છે.
દરમિયાન એપીએમસી માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે લસણના ભાવમાં ઘટાડો થવાના કોઈ એંધાણ નથી. નવી મુંબઈ ખાતે આવેલી એપીએમસી બજારમાં લસણ હોલસેલ ભાવ ૧૫૦-૨૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે, જે પહેલા ૧૦૦-૧૫૦ રૂપિયા રૂપિયા હતું. ભાવમાં વધારો થતાં અહીં બજારમાં દિવસના માત્ર ૧૫-૨૦ ટ્રક લસણ લઈને આવી રહ્યા છે. લસણની ટ્રકની સંખ્યામાં ઘટાડો થતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે.
એએમપીસી બજાર સમિતિના એક અધિકારીએ જણાવ્યું હતું કે લસણના પુરવઠામાં ઘટાડો આવતા ભાવ વધારો થઈ રહ્યો છે. આ ભાવ વધારાને લીધે સામાન્ય લોકોનું બજેટ બગડવાની શક્યતા છે. માર્કેટમાં લસણનો નવો પાક આવતા વધુ સમય લાગશે, જેથી ભાવમાં વધારો રહેશે. રાજ્યમાં માવઠાને લીધે પણ પાક પર અસર થઈ છે, એમ એક વેપારીએ જણાવ્યું હતું.