આમચી મુંબઈ

પત્નીની હત્યા કર્યા પછી પતિએ મૃતદેહને ડ્રમમાં ભરી અંબરનાથના જંગલમાં ફેંક્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ટિટવાલામાં આર્થિક વિવાદમાં પત્નીની કથિત હત્યા કર્યા પછી પતિએ મૃતદેહને ડ્રમમાં ભરી અંબરનાથના જંગલમાં ફેંક્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ઠાકુરે જણાવ્યું હતું કે મૃતક અલીમૂન અન્સારી (35)ની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે મૈનુદ્દીન અન્સારી (36)ની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા મૈનુદ્દીનની વધુ પૂછપરછ ચાલી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર મૈનુદ્દીનનાં લગ્ન 12 વર્ષ અગાઉ અલીમૂન સાથે થયાં હતાં અને દંપતી ટિટવાલામાં રહેતું હતું. રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો પતિ સતત પત્નીને ત્રાસ આપતો હતો અને પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરતો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પિયરથી 80 હજાર રૂપિયા લાવીને પત્નીએ પતિને આપ્યા હતા, પરંતુ નવી રિક્ષા ખરીદવા મૈનુદ્દીન બે લાખ રૂપિયાની માગણી કરી રહ્યો હતો. પિયરથી વધુ રૂપિયા લાવવાનો પત્નીએ ઇનકાર કરતાં દંપતી વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.

રવિવારે પણ આ જ વાતે ઝઘડો થતાં રોષમાં આવી પતિએ લોખંડનો સળિયો પત્નીના માથા પર ફટકાર્યો હતો. પછી રસ્સીથી ગળું દબાવી પત્નીની કથિત હત્યા કરી હતી. હત્યા બાદ પત્નીના મૃતદેહને મોટા ડ્રમમાં ભરવામાં આવ્યો હતો. રિક્ષામાં ડ્રમ મૂકી આરોપી અંબરનાથમાં નાલિંબી ગામના જંગલ પરિસરમાં ગયો હતો અને મૃતદેહને જંગલમાં ફેંક્યો હતો.
સોમવારે માતાએ વારંવાર ફોન કરવા છતાં અલીમૂને કૉલ રિસીવ કર્યો નહોતો. અલીમૂનની માતાએ મૈનુદ્દીનને ફોન કરતાં તેણે હત્યાની જાણ કરી પોતે પોલીસ સ્ટેશનમાં હોવાનું કહ્યું હતું. આરોપીએ આપેલી માહિતીને આધારે સ્થાનિક પોલીસે મહિલાના મૃતદેહને તાબામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહને ઠેકાણે પાડવા આરોપીને કોઈએ મદદ કરી હતી કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…