હાશકારો! ઉપનગરમાં પાંચ દિવસે પાણીપુરવઠો પૂર્વવત્
અંધેરીમાં વેરાવલી પાઈપલાઈનનું સમારકામ ૫૦ કલાકથી વધુ ચાલ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ પાંચ દિવસ બાદ પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો હતો. અંધેરી (પૂર્વ)માં વેરાવલી સર્વિસ રિઝર્વિયરને પાણીપુરવઠો કરનારી મુખ્ય પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ ૫૦ કલાકથી વધુ સમય ચાલ્યા બાદ સોમવારે સવારે તે પૂરું થયું હતું. એ બાદ તબક્કાવાર ઉપનગરના જુદા જુદા વિસ્તારમાં પાણીપુરવઠો કરવામાં આવ્યો હોવાનો દાવો પ્રશાસને કર્યો હતો.
પાઈપલાઈનમાં થયેલા ગળતરને કારણે વેરાવલી એક, બે અને ત્રણ તેમ જ ઘાટકોપર એમ ચાર સર્વિસ રિઝર્વિયરમાંથી થનારા પાણીપુરવઠાને અસર થઈ હતી. અંધેરીની વેરાવલી સર્વિસ રિઝર્વિયરની ૧,૮૦૦ મિલિમીટર વ્યાસની મુખ્ય પાઈપલાઈન જે ઠેકાણે ગળતર હતું તે પાઈપલાઈન જમીનમાં લગભગ છ મીટર નીચે આવેલી છે. આ પરિસરમાં તાજેતરમાં બાંધકામ થયા બાદ જમીનમાં ભરણી પૂર્વવત્ કરવામાં આવી હતી. તેથી ખોદકામ દરમિયાન માટી સતત પાઈપલાઈન પર પડી રહી હતી. મુખ્ય પાઈપલાઈનને સંપૂર્ણ રીતે ખાલી કરવા માટે પાણીનો નિકાલ કરવો અને તે સમયે જ સમારકામ માટે ખોદકામ કરવાને કારણે તે ઠેકાણે જમીન ધસી પડવાનું જોખમ પણ હતું. એટલું જ નહીં પણ આ પાઈપલાઈનમાં અનેક જગ્યાએ ગળતર હતા. તેથી પાઈપલાઈન પૂર્ણ રીતે ખાલી થયા બાદ તેમાં અંદર જઈને પડેલા છીદ્ર પૂરવાનું કામ પડકારજનક હતું.
પાલિકાના પાણીપુરવઠાના અધિકારીના કહેવા મુજબ ભાંડુપ કૉમ્પલેક્સમાંથી પાઈપલાઈનમાં આવનારું પાણી બંધ કરવામાં આવ્યા બાદ પણ પાઈપલાઈનમાં રહેલા પાણીને બહાર કાઢવા માટે અન્ય કોઈ પણ જગ્યા ન હોવાથી ગળતરને ઠેકાણે જ તમામ પાણીને બહાર કાઢવાનું કામ પણ મુશ્કેલીભર્યું રહ્યું હતું. તેથી બહારથી સમારકામ કરવા માટે પાઈપલાઈનમાં બે મૅનહોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સમારકામ શનિવારથી રવિવાર સવાર સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક પાલિકાએ રાખ્યું હતું. જુદા જુદા કારણથી અને ટેક્નિકલી અત્યંત પડકારજનક કામ પૂરું કરવામાં પાલિકાને ૫૦ કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો અને સોમવાર મોડી સાંજ બાદ જુદા જુદા વિસ્તારમાં તબક્કાવાર વિસ્તારમાં પાણીપુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.