જીતમાં હમ સબ સાથ સાથ હૈ, હારી ગયા તો આવજોઃ MVAનું બંધન તૂટવાની અણી પર
મુંબઈઃ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મહાવિકાસ આઘાડીમાંઆગામી ચૂંટણી સ્વબળે લડવાની ભાષા શરૂ થઈ ગઈ છે. તેથી આ ગઠબંધન તૂટવાની અણી પર હોવાની ચર્ચા છે.
વિધાન સભાની ચૂંટણીના પરિણામ પહેલા બે દિવસમાં મહાવિકાસ આઘાડી નેતાઓની બેઠકો યોજાઈ હતી, પરંતુ પરિણામોના પાંચ દિવસ થઇગયા હોવા છતાં ત્રણેય પક્ષોની એકે બેઠક થઈ નથી. ઉદ્ધવ સેનાની બેઠકમાં કેટલાક લોકોએ આગામી ચૂંટણીમાં એકલા હાથે જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉદ્ધવ સેનાના નવા ચૂંટાયેલા વિધાન સભ્યો અને પરાજિત ઉમેદવારોની મંગળવારે ‘માતોશ્રી’ પર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક નેતાઓ અને પરાજિત ઉમેદવારોએ સ્વબળે ચૂંટણી લડવી જોઈએ તેવી દરખાસ્ત મૂકી હતી.
અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે સ્વનિર્ભરતાનો નારો કોઈએ આપ્યો નથી, પરંતુ એ વાત સાચી છે કે કેટલાક નેતાઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે સમગ્ર મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીએ પોતાની તાકાત ઊભી કરવી જોઈએ અને આવનારા સમયમાં ત્યાં તાકાત સાથે ચૂંટણી લડવી જોઈએ. હાલમાં અમે માવિઆ તરીકે સાથે જ છીએ, પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને પણ સાથે સાથે મજબૂત કરીએ તેમાં કોઇને વાંધો ના હોઇ શકે.
જોકે, જ્યારે ઠાકરે સેનાના સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો કે શું ઠાકરેની શિવસેના મહાવિકાસ અઘાડી છોડશે? તો તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો હતો કે, “બિલકુલ નહીં.”
Also Read – શિંદેની પીછેહટ છતાં મુખ્ય પ્રધાનના ચહેરાનું સસ્પેન્સ યથાવત, આજે દિલ્હીની બેઠક પર સૌની નજર
ઉદ્ધવ સેનાના નેતાઓની ભૂમિકા અંગે કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જેમ તેઓ એકલા હાથે લડવા માંગતા હતા, તેમ અમારામાંથી પણ કેટલાક એકલા હાથે લડવા માંગતા હતા. પરંતુ તે પક્ષનો અભિપ્રાય હોઈ શકે નહીં. અમે પરિણામોનું વિશ્લેષણ અને વિચાર-વિમર્શ કરીશું. આ અંગે પાર્ટીના નેતાઓ સાથે વાત કરીને અમે આગળનું સ્ટેન્ડ લઈશું.